11 પાકિસ્તાની માછીમારોની પૂછપરછ બાદ પોરબંદરના નવી બંદર પોલીસને સોંપાયા
- ભારતીય જળ સીમામાં 11 માછીમારો માછીમારી કરતા પકડાયા હતા
- વિવિધ એજન્સીઓ દ્વારા કરાયેલી પૂછપરછમાં કશુ શંકાસ્પદ ન મળ્યુ
- પકડાયેલા પાક.માછીમારોને જખૌથી પોરબંદર લઈ જવાયા
પોરબંદરઃ ભારતીય તટરક્ષક દળે બુધવારે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને આંતરી ઝડપી લેવામાં આવ્યા હતા. ગઈકાલે ગુરુવારે વિવિધ એજન્સીઓ દ્વારા પાકિસ્તાની માછીમારોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પણ કશું શંકાસ્પદ મળ્યું ન હતું. અંતે જળસીમા પોરબંદર નક્કી થતા નવી બંદર પોલીસને બોટ અને પાકિસ્તાની માછીમારોને સોંપવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી હતી કે, આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક જખૌ સ્ટેશન કમાન્ડર કમાન્ડટ ઉમેદસિંઘના નેતૃત્વમાં પેટ્રોલિંગમાં રહેલા કોસ્ટ ગાર્ડની C-437 ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડિંગ ઓફિસર અંબરીશ શુક્લા સહિત પેટ્રોલિંગમાં હતા. ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ અલ વલી ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે ત્વરિત જ પાક. માછીમારોની બોટને આંતરતા તેમાં કુલ 11 પાકિસ્તાની ક્રૂ સામેલ હતા, જેમાં 2 સગીરનો સમાવેશ થાય છે. પકડાયેલા પાકિસ્તાની માછીમારોમાં ટંડેલ સફી મોહમ્મદ, હુસૈન, ઝાહિર, ગુલામ મુસ્તફા, સર્વર, મેટાબાલિ, ઇબ્રાહિમ, હબીબુલ્લાહ, સુલતાન, સુમા અને સરફરાઝ સહિતનો સમાવેશ થયા છે.
સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાની માછીમારોની બોટમાંથી જમવાનો સમાન, મોબાઈલ, કી-પેડ ફોન, 1000 પાકિસ્તાની રૂપિયા સહિત મુદામાલ મળી આવ્યો હતો. જખૌ ખાતે રાજ્યથી કેન્દ્ર સહીત વિવિધ એજન્સીઓ - ગુપ્તચર એજન્સીઓએ ગહન પૂછપરછ કરી હતી. જળસીમાને લઈને અંતે પોરબંદરની હદ નક્કી થતા જખૌ મરીન પોલીસના બદલે હવે પોરબંદર ખસેડવામાં આવ્યા છે. જ્યાં નવી બંદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.