દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના રહીશોને પ્રદુષણથી નથી મળી રાહત, AQI 300થી 350 વચ્ચે નોંધાયો
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત 'ગંભીર' શ્રેણીમાં જળવાયેલી છે. મોડી રાત્રે તીવ્ર ઠંડી હવાઓ ફૂંકાવાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં નજીવો સુધારો ચોક્કસ નોંધાયો હતો, પરંતુ તેમ છતાં હવાની ગુણવત્તા જોખમી શ્રેણીમાંથી બહાર નીકળી શકી નથી. ગુરુવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના મોટાભાગના સ્ટેશનો પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 થી 350 ની વચ્ચે નોંધાયો હતો, જે 'ખૂબ જ ખરાબ' થી 'ગંભીર' શ્રેણીમાં આવે છે.
દિલ્હીના ઓખલા ફેઝ-2, પંજાબી બાગ, પટપડગંજ, રોહિણી, આરકે પુરમ અને સિરીફોર્ટ જેવા વિસ્તારોમાં AQI 309 થી 344 ની વચ્ચે જોવા મળ્યો હતો. જ્યારે પિથોરાગઢ સ્ટેશન પર AQI 289 રહ્યો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીની નીચલી સપાટી પર છે. નોઈડાના સેક્ટર-125, સેક્ટર-1 અને સેક્ટર-116 માં પ્રદૂષણ સ્તર 307 થી 340 ની વચ્ચે નોંધાયું હતું આવી જ રીતે સેક્ટર-62 IMD સ્ટેશન પર AQI 262 રહ્યો હતો. જો ગાઝિયાબાદની વાત કરીએ તો લોનીમાં AQI 367 સુધી પહોંચી ગયો હતો, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. વસુંધરામાં AQI 335 અને ઈન્દિરાપુરમમાં 279 નોંધાયો હતો, જ્યાં છેલ્લા 24 કલાકમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે.
નિષ્ણાતોના મતે, હવા ધીમી થતાં જ PM 2.5 અને PM 10 ના કણો ફરીથી ઝડપથી જમા થવા લાગે છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે પ્રદૂષક કણો જમીનની નજીક જ રહે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના 7 દિવસના રિપોર્ટ મુજબ, નોઈડા અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં પારો ગગડશે. 4 થી 9 ડિસેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી ઘટીને 9 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ અઠવાડિયે રાત્રિના તાપમાનમાં ઘટાડા સાથે કડકડતી ઠંડીનો અનુભવ થશે.