કોહલીની ધમાકેદાર વાપસી: સદી ફટકારતા ODI રેન્કિંગમાં મોટો ફેરફાર
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર સદી નીકળ્યા બાદ માત્ર મેદાન પર જ નહીં, પણ ICC રેન્કિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ICC દ્વારા 30 નવેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલી નવી પુરુષ ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલીએ ટોપ-5માં ધમાકેદાર વાપસી કરી છે.
નવી રેન્કિંગ મુજબ, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા હજી પણ 783 રેટિંગ પોઈન્ટ્સ સાથે નંબર-1 ODI બેટ્સમેન બની રહ્યા છે. મોટી મેચોમાં તેની નિરંતરતા અને પ્રદર્શને તેને ટોચનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી છે.
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં સદી ફટકાર્યા બાદ વિરાટની રેન્કિંગમાં 1 ક્રમ આગળ આવ્યો છે અને તે 751 રેટિંગ પોઈન્ટ્સ સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેના આ ફોર્મને જોતા આવનારી મેચોમાં તેની ટોપ-3માં એન્ટ્રી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. શુભમન ગિલને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 738 રેટિંગ પોઈન્ટ્સ સાથે હવે પાંચમા નંબર પર પહોંચ્યો છે.
ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન ડેરિલ મિશેલ 766 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. આ વર્ષે તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. જ્યારે અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેસ્ટમેન ઇબ્રાહિમ જાદરાન 764 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે, જે તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. છેલ્લા બે વર્ષમાં તે અફઘાનિસ્તાનનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન બનીને ઉભર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલ વન-ડે સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ ગઈકાલે રમાયેલી બીજી વન-ડેમાં સદી ફટકારી હતી. આમ વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં વન-ડે કેરિયરમાં 53 જેટલી સધી ફટકારી છે.