અમદાવાદમાં પોલીસ જવાનની કારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક બેભાન
- કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી,
- પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો લોકોએ કર્યો આક્ષેપ,
- ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગત મોડી રાતે વિશાળા સર્કલ પાસે કારએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા રિક્ષાચાલકને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતને લીધે લોકોનું ટોળું ભેગું થયું હતું અને કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. દરમિયાન તપાસ કરતા અકસ્માત કરનારો કારચાલક પોલીસકર્મી હોવાનું સામે આવ્યું છે. તેમજ કારમાંથી બિયરની બોટલ, વર્દી અને કારની નંબરપ્લેટ પણ મળી હતી. પોલીસકર્મી નશાની હાલમાં હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના વિશાલા સર્કલ પાસે સિટીગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક કારચાલકે પૂર ઝડપે આવીને રિક્ષાચાલકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને પડી ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થઈને બેભાન થઈ ગયો હતો. બાદમાં આસપાસના લોકોએ ભેગા થઈને રિક્ષાચાલકને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે કારચાલકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અકસ્માત કરનારો પોલીસ કર્મચારી પ્રકાશ રબારી હોવાનું સામે આવ્યું હતું, જે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અકસ્માત કરનાર પોલીસ કર્મચારીની કારમાંથી પોલીસની વર્દી, બિયરની બોટલ અને નંબર પ્લેટ મળી હતી. એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સમગ્ર મામલે અકસ્માત કરનાર પોલીસકર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસકર્મચારી દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ? એ મામલે પણ પોલીસકર્મચારીનો બ્લડ રિપોર્ટ લઈને તપાસ કરવામાં આવી રહી છે.