“ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર
સુરતઃ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ-CISF)ના 56માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ સુરત આવી પહોંચી હતી. CISFના જવાનોને પ્રોત્સાહન પૂરૂ પાડવા અને રાષ્ટ્રસુરક્ષા માટે તેમના યોગદાનને બિરદાવવા માટે ગુજરાતના કચ્છના લખપતથી ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ને સુરતના ડાયમંડ બ્રુર્સ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉપરાંત, સુરત ખાતે ગ્રીન ઓર્કિડ ફાર્મમાં સંયુક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ધનંજય નાઈક, CISF સિનિયર કમાન્ડન્ટ કપિલ વર્મન, CISF સિનિયર કમાન્ડન્ટ કુમાર અભિષેક, CASO ASG સુરત કમાન્ડન્ટ સુરેન્દ્ર સોનકરિયા સહિત અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. CISF કોસ્ટલ સાયક્લોથોન ટીમ સુરતના ડાયમંડ બુર્સથી દમણ સુધીની 12માં દિવસની સાયક્લોથોન યાત્રાએ નિકળી હતી. ડાયમંડ બુર્સથી 123 કિમીનું અંતર કાપી રેલી મોટી દમણ પહોંચશે. આ યાત્રા કુલ 3552 કિ.મી.નું અંતર કાપીને 31 માર્ચના રોજ તામિલનાડુના કન્યાકુમારીના વિવેકાનંદ સ્મારક ખાતે સમાપ્ત થશે.
કાર્યક્રમના ભાગરૂપે 70 CISF સાયક્લોથોન એમ્બોસ્ડ સ્મૃતિચિહ્નો અર્પણ કરાયા હતા, જ્યારે CISF અને સાયક્લોથોન લોગો ધરાવતા 120 ટી-શર્ટ અને કેપ્સનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં CISF યુનિટ KGPP ક્વાસ ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષ કુમાર, CISF યુનિટ ONGC હજીરા ડેપ્યુટી કમાન્ડન્ટ, APD સુરત, સ્થાનિક પોલીસના અધિકારીઓ, શહેરીજનો સહિત બાળકો પણ સહભાગી બન્યા હતા. સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ હેઠળની આ ઐતિહાસિક સાયક્લોથોનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ તેમજ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જાગૃતિ ફેલાવવાનો છે. 14 મહિલાઓ સહિત 125 સમર્પિત CISF જવાનો 25 દિવસની યાત્રા થકી કોસ્ટલ સિક્યુરિટીને મજબૂત બનાવવાનો સંદેશો આપી રહ્યા છે.