અમેરિકન ડોલર વેચવાના નામે ઠગાઈના કેસમાં પોલીસે ત્રણ શખસોને ઝડપી પાડ્યા
- સ્વામિનારાયણ સંતના નામે 10,000 ડોલર આપવાનું કહી 50 લાખની ઠગાઈ,
- વોટ્સએપમાં મેસેજ કરી 200 ડોલરનો રૂ.10,000 ભાવ નક્કી કર્યો હતો,
- ઠગ ત્રિપટી ડોલર વચ્ચે 100-100ની નોટો મુકી દેતા હતા,
નવસારીઃ અમેરિકન ડોલર સસ્તામાં આપવાને બહાને છેતરપિંડીનો બનાવ બન્યો છે. આરોપીઓએ વોટ્સઅપ મેસેજ કરીને સસ્તામાં અમેરિકન ડોલર આવવાનું કહ્યુ હતુ. ત્યારબાદ આરોપીઓએ ડોલરના ફોટા મોકલ્યા હતા અને 200 ડોલર માટે 10,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. વિશ્વાસ કેળવવા માટે પ્રથમ 200 ડોલર આપીને 10.000 લીધા હતા ત્યારબાદ 10 હજાર ડોલર માટે 4,50,000 રૂપિયા નક્કી થયા હતા. આરોપીએ કાળા પ્લાસ્ટિકના ઝબલામાં ડોલર આપ્યા અને રૂપિયા લઈને ઝાડીમાં ભાગી ગયો હતો. તપાસ કરતા ઉપરની નોટ 100 ડોલરની હતી, પરંતુ અંદરની બધી નોટો 1 ડોલરની નીકળી હતી. જેથી છેતરપિંડીની અરજી સોજિત્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. દરમિયાન નવસારી જિલ્લાના વાંસદાના યુવકને અમેરિકન ડોલર વેચવાના નામે ઠગાઈ કરનાર 3 આરોપીઓને નંદેસરી પોલીસે ઝડપી પાડ્યા છે. આ બનાવમાં નવસારીના જાગૃત નાગરિકે વડોદરાના સાંકરદા ગામ પાસે નંદેસરી પોલીસની મદદથી આરોપીઓને ફસાવ્યા હતા. જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે બે આરોપીનો અકસ્માત થયો હતો અને બંનેને ઈજાઓ થઈ હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રહેતો 23 વર્ષીય યુવક વર્ષ 2021થી લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે. યુવકે પોલીસને આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ તેની ઓફિસના મોબાઈલ પર વોટ્સએપમાં 'જય સ્વામિનારાયણ'નો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ, અમેરિકન ડોલર વેચવા માટેની વાતચીત થઈ હતી. આરોપીઓએ ડોલરના ફોટા મોકલ્યા હતા અને 200 ડોલર માટે 10,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. યુવક અને તેનો મિત્ર તારાપુર ચોકડી પાસે પીપળાવ ગામના સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચ્યા હતા. જ્યાં આરોપીના માણસે તેમને 100 ડોલરની બે નોટ આપી અને 10 હજાર રૂપિયા લીધા હતા. પાછા ફરીને નોટ ચેક કરાવતા તે અસલી નીકળી હતી, ત્યાર બાદ 13 ફેબ્રુઆરી 2025ના રોજ ફરી વાતચીત થઈ હતી. આ વખતે 10 હજાર ડોલર માટે 4,50,000 રૂપિયા નક્કી થયા હતા.
ફરિયાદી યુવક અને તેના મિત્રો પીપળાવ ગામ પાસે સેફરોન પ્લોટિંગ સોસાયટીમાં પહોંચ્યા હતા. આરોપીએ કાળા પ્લાસ્ટિકના ઝબલામાં ડોલર આપ્યા અને રૂપિયા લઈને ઝાડીમાં ભાગી ગયો હતો. તપાસ કરતા ઉપરની નોટ 100 ડોલરની હતી, પરંતુ અંદરની બધી નોટો 1 ડોલરની નીકળી હતી. જેથી છેતરપિંડીની અરજી સોજિત્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈ તા.28 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે ફરિયાદી યુવકના મોબાઈલ નંબર પર ફરી 'જય સ્વામિનારાયણ' અને ડોલરના ફોટાનો મેસેજ આવ્યો હતો. યુવકને ફેબ્રુઆરીની ઘટના જેવી જ પદ્ધતિ લાગી હતી. આરોપીઓએ પોતાને સ્વામિનારાયણના સંત તરીકે રજૂ કર્યા હતા અને એમનું મંદિર દાહોદ-ગોધરા એમપી બોર્ડર પર હોવાનું જણાવ્યું હતું. આથી યુવકે આરોપીઓને પકડાવવા માટે વાતચીત ચાલુ રાખી હતી. 200 ડોલર (100 ડોલરની બે નોટ) માટે 10 હજાર રૂપિયા નક્કી થયા હતા. આરોપીઓએ વડોદરા પાસે સાંકરદા ગામમાં બોલાવ્યા હતા. યુવક અને મિત્ર સાથે ત્યાં પહોંચ્યા હતા અને આ વિસ્તાર નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં હોવાથી પોલીસને જાણ કરી હતી.
નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ગજેન્દ્રસિંહ અને અન્ય સ્ટાફ યુવક સાથે કારમાં બેસીને ગયા હતા. સાંકરદા બ્રિજ નીચે વૈશાલી હોટલ સામે ઉભા રહીને વોટ્સએપ કોલ કર્યો હતો. આરોપીઓએ થોડી વાર રાહ જોવાનું કહ્યું હતું, એ સમયે એક અલ્ટો ગાડી પસાર થઈ હતી અને તેમાંથી એક વ્યક્તિએ તેમની તરફ જોતા યુવકને શંકા ગઈ હતી, ત્યાર બાદ આરોપીએ ફોન કરીને બ્રિજથી આગળ સાંકરદા ગામ તરફ આવવા જણાવ્યું હતું. દરમિયાન પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.