વડોદરામાં મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેન્ગના 3 સાગરિતોને પોલીસે દબોચી લીધા
- ગેન્ગના સાગરિતો છાતી પર ચામાચીડિયાનું ટેટુ ચિત્રાવીને ઓળખ ઊભી કરી હતી,
- દિવસે શહેરમાં ફુગ્ગા વેચતા હતા અને રેકી કરીને બંધ મકાનમાં ચોરી કરતા હતા,
- ત્રણેય આરોપી હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ લેવાયા
વડોદરાઃ શહેરમાં ચામાચીડિયા નામની રિઢા તસ્કરોની ગેન્ગના ત્રણ સાગરિતોને પોલીસે દબોચી લઈને 7 દિવસના રિમાન્ડ પર લીધા છે. મધ્ય પ્રદેશની એવી આ ચામાચીડિયા ગેન્ગ પોતાની છાતી પર ચામાચીડિયાનું ટેટું દોરાવીને અલગ ઓળક ઊભી કરી હતી. આ ગેન્ગના સાગરિતો દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ફુગ્ગા વેચતા હતા. અને જે મકાન બંધ હોય તેની રેકી કરીને રાતના સમયે ચોરી કરવા માટે ત્રાટક્તા હતા. પોલીસના નાકમાં દમ લાવનારી મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેંગના 3 સાગરીતને પોલીસે શહેરના સુસેન સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ચાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચામાચીડિયા ગેંગના મોટા ભાગના સભ્યોએ તેમના શરીર પર છાતીના ભાગે ટેટૂ કોતરાવેલું છે. એ જ તેમની ગેંગની ઓળખ છે. ત્રણેય આરોપી હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ ગેંગના સભ્યો તેમની છાતીના ભાગે ચામાચીડિયું કેમ ચિતરાવે છે એ દિશામાં પણ તાપસ શરૂ કરી છે. એના માટે માંજલપુર પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના થશે.
વડોદરા શહેરના માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં ચોરીના બનાવો બનતા માંજલપુર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને આ ગેંગને ઝડપી પાડવા મોડીરાત્રિના વોચમાં ફરતી હતી. આ દરમિયાન માંજલપુર પોલીસને CCTV ફૂટેજની ઝીણવટ ભરી તપાસ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ બે શખસ સુસેન સર્કલ પાસે દેખાયા હતા, જેમાં એક વ્યક્તિએ ખભે સ્કૂલબેગ લટકાવી હતી. આ બંને શખસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા. આ સમયે તેમનો ત્રીજો સાગરીત પણ ગલીમાં ભાગવા જતાં પકડાઈ ગયો હતો. પોલીસે આ શખસોની બેગ ચેક કરતા એમાંથી સળિયા કાપવા અને લોક તોડવાનાં સાધનો મળ્યાં હતાં. ડિસમિસ, પાના પકડ અને ગિલોલ જેવાં સાધનો મળ્યાં હતાં, જેથી પોલીસે આ શખસોની કડકાઈથી પૂછપરછ કરી હતી, ત્યારે તેઓ ભાંગી પાડ્યા અને તેઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન, મનસોર સુવાસરા વિસ્તારના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને તેઓ ગુજરાતમાં ફુગ્ગા વેચવા માટે પરિવાર સાથે આવ્યા હતા. આ ગેંગના પરિવારના અન્ય સભ્યો દિવસ દરમિયાન ફુગ્ગા વેચતા હોય છે, જ્યારે રાત્રિના સમયે વડોદરા શહેરી વિસ્તારમાં ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી ચોરીને અંજામ આપતા હતા. અલગ અલગ ટીમો બનાવીને ચડ્ડી-બનિયાન પહેરીને ચોરી કરવા માટે સોસાયટીમાં ઘૂસી જાય છે. ચોરી થયા પછી આ ટોળકી અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે. એક ટીમ ચોરી કરવાનાં સાધનો લઈને ભાગી જાય છે, જ્યારે બીજી ટીમ મુદ્દામાલ લઇને ભાગી જાય છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં ભાગે છે.