સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ખિસ્સા કાતરૂઓ અને બાઈકચોર ગેન્ગ સક્રિય
- સુરેન્દ્રનગર એસટી ડેપોમાં CCTV કેમેરા જ નથી
- નવીન બસ સ્ટેશન બનાવવા કરોડોનો ખર્ચ કર્યો છતાં CCTV કેમેરા નથી
- કંડકટરનું બાઈક કોઈ ઉઠાવી ગયું
સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પણ એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નથી. હાલ લગ્નસરાની સીઝનને કારણે પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. ત્યારે ખિસ્સા કાતરૂઓનો ત્રાસ પણ વધી ગયો છે. પ્રવાસીઓના બસમાં ચડતી કે ઉતરતી વખતે ભારે ભીડને લીધે ખિસ્સા કપાય રહ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેશનના પાર્કિંગમાંથી વાહન ચોરીના બનાવો પણ બની રહ્યા છે. તાજેતરમાં ડેપોમાં જ પાર્ક કરેલુ કંડક્ટરનું બાઇક ચોરાઇ ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આવી ઘટનાઓ ઉપર રોક લાગવવા માટે લાખો રૂપિયા રળતા એસટી વિભાગ સુરેન્દ્રનગર ડેપોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરે તેવી લોકમાગ ઊઠી છે.
સુરેન્દ્રનગરમાં રૂ. 6.25 કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશન બન્યું હોવા છતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. આ નવા બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાના અભાવે પ્રવાસીઓના ખિસ્સા કપાવવાના બનાવો વધી રહ્યા છે. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દૈનિક 12000થી વધુ મુસાફરો આવ-જા કરી રહ્યા છે. તો બીજી તરફ લગ્નસરાની સિઝન શરૂ થવાના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં એસટી બસ સ્ટેશનમાં આવી રહ્યા છે. આથી ડેપોમાં તેમજ બસમાં ચડતી વખતે પ્રવાસીઓની ભીડ પણ રહે છે. ત્યારે બસ સ્ટેશનમાં જો સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવે તો પ્રવાસીઓના માલસમાન સહિતની સલામતી રહે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા જ નથી.
સુરેન્દ્રનગર એસટી ડેપોના કંડક્ટરે બાઇક પાર્કિંગની સામેની બાજુ લીંબડાના ઝાડ નીચે પાર્ક કર્યું હતું. કંડકટર બપોરે એક વાગ્યે નોકરી પૂરી કરી ઘરે જવા માટે પાર્ક કરેલી જગ્યાએ જતા બાઇક મળી આવ્યું ન હતું. આથી તેઓએ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.