PM મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાંથી પસાર થવાનું ટાળ્યું
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાનો પોતાનો પ્રવાસ ટૂંકાવી દીધો હતો. તેમજ તેઓ તાત્કાલિક ભારત પરત ફર્યાં હતા. ભારત પરત ફરતી વખતે પીએમ મોદીનું વિમાન ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું ન હતું. આ વિમાન ભારતીય દ્વીપકલ્પથી ગુજરાત થઈને અરબી સમુદ્ર પાર કરીને દિલ્હી પહોંચ્યું હતું. જ્યારે સાઉદી અરેબિયા જતી વખતે વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની માહિતી મળ્યા બાદ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. આ પછી, તે પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત ફર્યાં હતા. અહેવાલો અનુસાર, ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા પછી પીએમ મોદી રાત્રિભોજનમાં હાજરી આપી ન હતી. પ્રધાનમંત્રી મધ્યરાત્રિ પછી લગભગ 2 વાગ્યે ભારત આવવા રવાના થયા હતા. પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ, પીએમ મોદી ગલ્ફ દેશની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને બુધવારે સ્વદેશ પરત ફરવાના હતા.
જ્યારે પીએમ નરેન્દ્ર મોદીનું વિમાન પરત ફરી રહ્યું હતું, ત્યારે તેણે પોતાનો રૂટ બદલી નાખ્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, વડા પ્રધાનના IAF બોઇંગ 777-300 વિમાને મંગળવારે સવારે રિયાધ જતી વખતે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર પાર કર્યું હતું, પરંતુ પરત ફરતી વખતે મોટો ચકરાવો લીધો હતો. પરત ફરતી વખતે, તે સીધું અરબી સમુદ્ર ઉપરથી ઉડાન ભરી, ભારતીય દ્વીપકલ્પ પાર કરીને, ગુજરાતમાં પ્રવેશ્યું અને દિલ્હી પહોંચ્યું હતું. આ રૂટ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ટાળતો હતો. આતંકવાદી હુમલા બાદ સુરક્ષા કારણોસર વિમાનનો રૂટ બદલવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
વિમાન નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા પછી, પીએમ મોદીએ વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને જરૂરી પગલાં લેવા અને કાશ્મીર પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે...તેમને બક્ષવામાં આવશે નહીં! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 26 લોકોની ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી. લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, એમ કહીને કે તેઓ હિન્દુ છે. 26 મૃતકોમાંથી મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો છે.