પીએમ મોદીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી, એક મંત્ર શેર કર્યો
નવી દિલ્હી: દેશભરમાં આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે, આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું કે, “તમામને નવરાત્રીની અનંત શુભકામનાઓ… સાહસ, સંયમ અને સંકલ્પની ભક્તિભાવથી ભરેલો આ પાવન પર્વ દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવે. જય માતા દી….” મોદીએ જણાવ્યું કે આજના દિવસે માતા શૈલપુત્રીની વિશેષ પૂજા-અર્ચના થાય છે. “મારી પ્રાર્થના છે કે માતાના સ્નેહ અને આશીર્વાદથી સૌનું જીવન સૌભાગ્ય અને આરોગ્યથી પરિપૂર્ણ રહે,” એમ તેમણે ઉમેર્યું.
પીએમ મોદીના જણાવ્યા મુજબ, આ વખતે નવરાત્રીનું પાવન અવસર ખૂબ જ વિશેષ છે. જી.એસ.ટી. બચત ઉત્સવ સાથે સાથે “સ્વદેશી”ના મંત્રને નવી ઊર્જા મળશે. મોદીએ જનતાને વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામૂહિક પ્રયત્નોમાં જોડાવાનું આહ્વાન કર્યું છે.
મોદીએ જણાવ્યું કે નવરાત્રી શુદ્ધ ભક્તિનો પર્વ છે. અનેક લોકોએ આ ભક્તિને સંગીત દ્વારા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ પંડિત જસરાજ દ્વારા ગાયેલા ભાવપૂર્ણ મંત્ર દેશ સાથે શેર કર્યો હતો. સાથે જ મોદીએ અપીલ કરી કે જો કોઈએ ભજન ગાયું હોય કે કોઈ મનપસંદ ભજન હોય તો તેઓ તેને શેર કરે. “આવતા દિવસોમાં હું તેમાંના કેટલાક ભજનો પણ પોસ્ટ કરીશ,” એમ મોદીએ જણાવ્યું હતું.