સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા અને સાયલામાં વીજચોરી સામે PGVCLના દરોડા
- વીજચોરી કરતા 83 એકમોને 62 લાખનો દંડ કરાયો,
- વાણિજ્યિક અને ઘર વપરાશના કુલ 37 વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી,
- ગેરકાયદે જોડાણો માટે PGVCL દ્વારા 50 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વીજચોરીનું દૂષણ વધતા વીજ લાઈન લોસ વધતો જાય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા લીંબડી, ચુડા અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજકંપનીએ ગેરકાયદે વીજજોડાણ કરનારા 83 એકમોને 62 લાખ રૂપિયાનો દંડ ફટકાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, ચુડા અને સાયલા તાલુકામાં વીજ લોસ વધતા સરકારની માલિકીના પશ્વિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ની વિજિલન્સ વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ચેકિંગ દરમિયાન કેટલાક ખાનગી ફેટરીઓએ પણ વીજ જોડાણમાં ચેડા કરીને વીજ ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. વીજ કંપનીએ વીજચોરી કરનારા વાણિજ્યિક અને ઘર વપરાશના જોડાણો કાપીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
PGVCLના સૂત્રોના જણાવ્યા મુજબ લીંબડી અને ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા વીજ ચેકિંગ દરમિયાન રેતીના વોશ પ્લાન્ટ, વાણિજ્યિક અને ઘર વપરાશના કુલ 37 વીજ જોડાણોમાં ગેરરીતિઓ સામે આવી હતી. આ ગેરકાયદે જોડાણો માટે PGVCL દ્વારા 49.50 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, સાયલા ગામ તેમજ ડોળિયા કચેરી હેઠળ આવતા ઢેઢુકી, ડોળિયા અને કેસરપર જેવા વિસ્તારોમાં પણ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અહીં 46 વીજ જોડાણો દ્વારા થતી વીજ ચોરી પકડાતા 12.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીથી વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.