ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી
- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએકચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી,
- આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે,
- દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવા તાકીદ
ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા કરવા માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીએ વિભાગની તમામ શાખાઓની મુલાકાત લઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્તા અને કર્મને એકમેકમાં ભળી લોકસેવાના હેતુથી સેવા અને સમર્પણ થકી કામગીરી કરવાની પ્રેરણા આપી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલે આરોગ્ય વિભાગની ઉત્તમ કામગીરી નિભાવી, જેને આગળ ધપાવતા આગામી દિવસોમાં સમગ્ર આરોગ્ય વિભાગના કર્મીઓ સહકારની ભાવનાથી કર્મ કરી ગુજરાતની આરોગ્ય સેવાઓને સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડશે. કોરોના જેવી મહામારીમાં પણ ભારતના આરોગ્યતંત્રએ પરિશ્રમ અને સ્વયંસુઝથી તાત્કાલિક સુવિધાઓ વિકસાવી ઉત્તમ કામગીરી કરી હતી ત્યારે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ નવા સંશોધનોની કામગીરી સાથે ટંગ મેનેજમેન્ટ પર પણ ધ્યાન આપશે. દર્દી નારાયણની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
મંત્રીએ ભેળસેળ કરનારા તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ખોરાકમાં ભેળસેળ કરનારા એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આવા ભયંકર પાપ કરનારા લોકો સુધરી જાય નહીંતર આગામી દિવસોમાં તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આગામી દિવસોમાં આરોગ્ય વિભાગના સિવિલ હોસ્પિટલથી માંડી સી.એસ.સી., પી.એચ.સી. તથા તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.
માર્ગદર્શક મુલાકાતની તકે અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડો. રતનકંવર ગઢવીચરણ, આરોગ્ય કમિશનર(શહેર ) હર્ષદ પટેલ સહિત આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.