જુનાગઢના મેંદરડા નજીક દારૂના નશામાં સરકારી વાહનના ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત
- અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો,
- સરકારી વાહનમાંથી દારુ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો,
- કારમાં બેઠેલા સરકારી અધિકારી પણ દારૂના નશામાં હતા
જુનાગઢઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે દારૂ પીને વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે દારૂ પીને વાહન ચલાવતા અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. પોલીસે આવી કારની તલાશી લેતા કારમાંથી પાણી પુરવઠા બોર્ડના અધિકારી અને ડ્રાઈવર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. કારમાંથી દારુ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, મૂળ લુસાડા ગામના રહેવાસી સુભાષ કાનાભાઈ ડાંગર (ઉંમર 29) પોતાના ગામ લુસાડાથી સતાધાર તરફ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ખોરાસા-અણીયાળા ગામ વચ્ચે હાઈવે પર કુતિયાણા પાણી પુરવઠા બોર્ડની સરકારી ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે સુભાષ ડાંગરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતના બનાવની જાણ થતાં વંથલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સરકારી વાહનની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આ વાહન કુતિયાણા પાણી પુરવઠા બોર્ડનું હોવાનું ખુલ્યું હતું. અકસ્માત સમયે વાહનમાં અધિકારી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ પાતર અને ડ્રાઈવર રાહુલ ચંદુભાઈ પાતર હાજર હતા.પોલીસે તાત્કાલિક ધોરણે ડ્રાઈવર અને અધિકારીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યારે મૃતક યુવક સુભાષ ડાંગરના મૃતદેહનો પીએમ માટે ખસેડ્યો હતો.
વંથલી પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ બંને આરોપીઓની અટક કરવામાં આવી છે. ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો છે. જીપનો ચાલક અને જીપમાં બેઠેલા અધિકારી બન્ને પીધેલા પણ હતા અને અકસ્માત પણ સર્જ્યો છે. જેમાં એક યુવાનનું મોત થયું છે જેને લઇ તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.