PCB, કેમેરા મોડ્યુલ અને પોલીપ્રોપિલિન ફિલ્મ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળ પ્રથમ તબક્કાના 7 પ્રોજેક્ટોને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાના અંતર્ગત હવે મલ્ટી-લેયર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB), એચડીઆઈ PCB, કેમેરા મોડ્યુલ, કોપર ક્લેડ લેમિનેટ (CCL) અને પોલીપ્રોપિલિન ફિલ્મ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે. આ સાથે ભારત “ઉત્પાદક રાષ્ટ્ર” બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, એવું રાષ્ટ્ર જે ડિઝાઇનથી લઈને ઉત્પાદન અને નિકાસ સુધીની એન્ડ-ટુ-એન્ડ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ક્ષમતા ધરાવે છે. આ યોજના PLI યોજના અને ભારત સેમીકન્ડક્ટર મિશન (ISM) ની પૂરક છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “આ નવા પ્લાન્ટ્સ દ્વારા દેશની 20 ટકા PCBની માંગ અને 15 ટકા કેમેરા મોડ્યુલ સબ-અસેમ્બલીની માંગ સ્થાનિક સ્તરે પૂરી થશે.” તેમણે વધુમાં કહ્યું કે કોપર ક્લેડ લેમિનેટની માંગ હવે સંપૂર્ણપણે સ્થાનિક સ્તરે જ સંતોષી શકાશે. સાથે સાથે, કુલ ઉત્પાદનમાંથી 60 ટકા હિસ્સો નિકાસ માટે ઉપયોગમાં લેવાશે.
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજનાને ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની કંપનીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. કુલ 249 અરજીઓ પ્રાપ્ત થઈ છે, જે 1.15 લાખ કરોડ રૂપિયાના રોકાણ, 10.34 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદન અને 1.42 લાખ નવી નોકરીઓના સર્જનનો અંદાજ દર્શાવે છે. આ અત્યાર સુધી ભારતના ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી મોટો રોકાણ પ્રતિબદ્ધતા આંક છે. કુલ રૂ. 5,532 કરોડના 7 પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટોથી રૂ. 36,559 કરોડના ઘટકોનું ઉત્પાદન થશે અને 5,100 થી વધુ સીધી નોકરીઓ સર્જાશે. આ સ્વીકૃત એકમો તામિલનાડુ (5), આંધ્ર પ્રદેશ (1) અને મધ્ય પ્રદેશ (1)માં સ્થિત રહેશે.
મંજૂર પ્રોજેક્ટોમાં હાઈ ડેન્સિટી ઇન્ટરકનેક્ટ (HDI) PCB, મલ્ટી-લેયર PCB, કેમેરા મોડ્યુલ, કોપર ક્લેડ લેમિનેટ અને પોલીપ્રોપિલિન ફિલ્મ જેવા મુખ્ય ઈલેક્ટ્રોનિક ઘટકોનો સમાવેશ થાય છે. કેમેરા મોડ્યુલ એ કોમ્પેક્ટ ઈમેજિંગ યુનિટ્સ છે, જે સ્માર્ટફોન, ડ્રોન, લેપટોપ, ટેબ્લેટ, મેડિકલ ઉપકરણો, રોબોટિક્સ અને ઓટોમોટિવ સિસ્ટમમાં ઉપયોગી થશે.
ભારત હવે પ્રથમ વખત કોપર ક્લેડ લેમિનેટ (CCL) મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે, જે મલ્ટી-લેયર PCBના નિર્માણ માટે આધારભૂત ઘટક છે. હાલ સુધી આ સામગ્રીનું આયાત થતું હતું. ઉપરાંત, પોલીપ્રોપિલિન ફિલ્મ કેપેસિટર બનાવવામાં ઉપયોગી મહત્વપૂર્ણ કાચું માલ છે, જે હવે ભારતના ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ, ICT, ટેલિકોમ અને કમ્પ્યુટિંગ ઉપકરણોમાં સ્થાનિક સ્તરે બનેલું ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટોના અમલીકરણથી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટશે અને સ્થાનિક બજારમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થશે. સાથે સાથે, મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં ઉચ્ચ કુશળતાવાળી નોકરીઓનું સર્જન થશે. આ યોજનાઓ રક્ષા, ટેલિકોમ, ઇલેક્ટ્રિક વાહન અને નવિનીકરણીય ઊર્જા ક્ષેત્ર માટે વિશ્વસનીય સપ્લાય ચેઇન ઉભી કરવામાં પણ સહાય કરશે.