વકફ બિલ મામલે સંસદની સંયુક્ત સમિતિની બેઠક રહી તોફાની, 10 સાંસદો સસ્પેન્ડ કરાયાં
નવી દિલ્હીઃ વકફ બિલ અંગે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિની શુક્રવારે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ પછી બેઠક થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્યાણ બેનર્જીએ પૂછ્યું કે આટલી ઉતાવળમાં બેઠક કેમ બોલાવવામાં આવી રહી છે. નિશિકાંત દુબેએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. વિવાદ વધ્યા બાદ, 10 વિપક્ષી સાંસદોને સમિતિમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેઠક 27 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના નેતા જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની વકફ સુધારા બિલ પરની સંયુક્ત સમિતિએ વિપક્ષી નેતાઓ દ્વારા વ્યક્ત કરાયેલા વાંધાને પગલે ડ્રાફ્ટ કાયદા પરની ચર્ચા આગામી અઠવાડિયા સુધી મુલતવી રાખી છે. સમિતિ સોમવારે બિલ પર વિગતવાર વિચારણા કરશે.
બીજી તરફ, યુડીએફ સાંસદ ફ્રાન્સિસ જ્યોર્જએ વકફ (સુધારા) બિલ 2024 માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો, તેમણે ગુરુવારે પોતાના નિવેદનથી પીછેહઠ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. અગાઉ તેમણે કહ્યું હતું કે એક જનપ્રતિનિધિ અને રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે, તેઓ નવા બિલને સમર્થન આપશે.
લોકસભામાં, કોટ્ટાયમના સાંસદ જ્યોર્જે કહ્યું કે તેમણે ક્યારેય કહ્યું નથી કે તેઓ વકફ સુધારા બિલને સમર્થન આપશે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું વલણ યુડીએફ અને કોંગ્રેસ જેવું જ છે, જેમણે કેરળ વિધાનસભામાં વક્ફ કાયદામાં સુધારો કરવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ ઠરાવને સમર્થન આપ્યું હતું.