પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ બીએલએએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનને ગોળીબાર કરીને કબજે કરી હતી. BLAએ ટ્રેન પર હુમલા અને ત્યારબાદ સેના સાથેની અથડામણમાં 30 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કરતા BLAએ ચેતવણી આપી હતી કે જો સેનાએ બંધકોને છોડાવવાનો પ્રયાસ કર્યો તો તમામને મારી નાખવામાં આવશે. પોલીસે સ્વીકાર્યું છે કે માત્ર 35 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. મોડી રાત સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. પાકિસ્તાની સેનાએ 13 બલૂચ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.
યુદ્ધ કેદીઓની અદલાબદલી માટે પાકિસ્તાન સરકારને 48 કલાકનો સમય
BLAએ મોડી રાત્રે કહ્યું કે, આઠ કલાક સુધી સતત એન્કાઉન્ટર બાદ પાકિસ્તાની સેના અને વાયુસેના પીછેહઠ કરી છે. ટ્રેનના બંધકોને યુદ્ધ કેદીઓ ગણાવતા સંગઠને કહ્યું કે તે પાકિસ્તાન સરકારને જેલમાં બંધ બલૂચ નેતાઓ અને બળજબરીથી ગાયબ થયેલા લોકો સાથે યુદ્ધ કેદીઓની આપ-લે કરવા માટે 48 કલાકનો સમય આપી રહી છે. જો તેના લોકોને છોડવામાં નહીં આવે, તો તેઓ બધાની હત્યા કરવામાં આવશે.
એન્કાઉન્ટર બાદ 80 લોકોને છોડાવનાનો દાવો
તે જ સમયે, સરકારે કહ્યું કે નવ ડબ્બાવાળી આ ટ્રેનમાં 500 મુસાફરો હતા. એન્કાઉન્ટર બાદ આમાંથી 80 લોકોને બચાવી લેવાયા છે. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું કે, BLAએ ખૈબર પખ્તુનખ્વાના ક્વેટાથી પેશાવર જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. પીરુ કોનેરી અને ગદલર વચ્ચે ટનલ નંબર 8માં ઝફર એક્સપ્રેસ પર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
સરકારે મૃત્યુ અને બંધકોના કોઈપણ આંકડા આપવાનો ઇનકાર કર્યો
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈમરજન્સી રાહત ટ્રેન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સરકારે મૃત્યુ અને બંધકોના કોઈપણ આંકડા આપવાનો ઇનકાર કર્યો છે. બલૂચ સરકારે આ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દીધી છે અને તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે.