ખૈબર પખ્તુનખ્વામાં TTPના આતંકીઓને લઈને પાકિસ્તાન આર્મીઓએ શરૂ કર્યું ઓપરેશન
પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે. આ ઓપરેશન મુખ્યત્વે લોઈ મામુન્ડ અને વાર મામુન્ડ તહસીલોમાં ચાલી રહ્યું છે, જે અગાઉ TTPનો ગઢ માનવામાં આવતા હતા. તાજેતરમાં, તાલિબાન કમાન્ડરો સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ 27 વિસ્તારોમાં 12 થી 72 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરિણામે, લગભગ 55,000 લોકો વિસ્થાપિત થયા છે અને 4 લાખથી વધુ લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે.
અવામી નેશનલ પાર્ટીના ધારાસભ્ય નિસાર બાજે ખૈબર પખ્તુનખ્વા વિધાનસભામાં આરોપ લગાવ્યો હતો કે, કર્ફ્યુને કારણે લોકો સલામત સ્થળોએ જઈ શકતા નથી અને સૈન્ય પોતાના નાગરિકો પર ત્રાસ ગુજારી રહ્યું છે. ઘણા પરિવારોને તંબુઓ, ખુલ્લા મેદાનો અને જાહેર ઇમારતોમાં રાત વિતાવવાની ફરજ પડી છે. પરિવહનના સાધનોનો અભાવ અને ખોરાક અને પાણીની સમસ્યાઓએ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર મુબારક ખાન ઝૈબના જણાવ્યા મુજબ, શાળાઓને કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે ખાર તહસીલમાં 107 શૈક્ષણિક સંસ્થાઓને રાહત શિબિર તરીકે ચિહ્નિત કરી છે. જોકે, ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અનુસાર, રાહત સામગ્રી અને આશ્રય માટેની વ્યવસ્થા પૂરતી નથી.
29 જુલાઈએ ઓપરેશન શરૂ થયું, પરંતુ આદિવાસી જિર્ગાની મધ્યસ્થીથી બીજા દિવસે કામચલાઉ ધોરણે અટકાવી દેવામાં આવ્યું. અનેક રાઉન્ડની વાતચીત છતાં, 2 ઓગસ્ટે વાતચીત નિષ્ફળ ગઈ, ત્યારબાદ સેનાએ ઓપરેશન ફરી શરૂ કર્યું. બાજૌર જિલ્લો લાંબા સમયથી ટીટીપીનો ગઢ રહ્યો છે. પાકિસ્તાન સેનાએ ભૂતકાળમાં અહીં અનેક ઓપરેશનો કર્યા છે, જેમાં હજારો લોકો વિસ્થાપિત થયા હતા. આ ઓપરેશનમાં પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો છે, પરંતુ સેના દ્વારા નાગરિકો પર ત્રાસ અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.