પદ્મશ્રી, ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે,
- લોકસાહિત્યાકાર ભીખુદાન ગઢવીએ ડાયરામાંથી લીધો સન્યાસ
- ઉંમર અને સ્વાસ્થ્ય સારૂ રહેતુ ન હોવાથી કર્યો નિર્ણય
- ભીખુદાનના નિર્ણયથી તેમના ચાહકો બન્યા નારાજ
અમદાવાદઃ લોકડાયરાના જાણીતા કલાકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ લોકડાયરાથી નિવૃત થવાની જાહેરાત કરી હતી. ભીખુદાનભાઈએ ઉંમર અને સ્વાસ્થને કારણે હવે આજીવન લોક ડાયરો નહીં યોજવાની જાહેરાત કરતા તેમના લાખો પ્રસંશકો નારાજ થયા છે. લોકડાયરાએ ગુજરાતી કલા-સંસ્કૃતિની આગળી ઓળખ છે. ગુજરાતમાં ઘણા સાહિત્યકારો-કલાકારો લોકડાયરા સાથે જોડાયેલા છે. પરંતુ હવે એક દિગ્ગજ લોકસાહિત્યકારે ડાયરામાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પદ્મશ્રીથી સન્માનિત ભીખુદાનભાઈ ગઢવીએ પોતાના ચાહકોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે તે હવે લોકડાયરામાં સામેલ થશે નહીં.
લોક ગાયક ભીખુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે પીઠડ માતાના સાનિધ્યમાં કાર્યક્રમ સંપન્ન થયા બાદ જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે કોઈ પ્રોગ્રામ કરવા નથી. હવે અહીં માતાજીના દર્શન કરવા માટે આવીશું, પીઠડ માતાના દર્શન કરીશ. પરંતુ અહીં કે બીજે ક્યાંય હવે કાર્યક્રમ કરવા નથી. ભીખુદાનભાઈ ગઢવીએ આઈશ્રી પીઠડ માતાજીના કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે, જ્યાં તેમણે પોતાનો છેલ્લો લોકડાયરો કર્યો છે.
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીના આ નિર્ણયથી તેમના ચાહકો અને સાહિત્યપ્રોમીઓમાં નિરાશા જોવા મળી રહી છે. હવે તેમના ચાહકો ક્યારેય ડાયરાની મજા માણી શકશે નહીં. ભીખુદાનભાઈ ગઢવીએ ગુજરાતના લોકસાહિત્ય અને ડાયરામાં ખુબ મોટું યોગદાન આપ્યું છે. તેમના યોગદાનને જોતા કેન્દ્ર સરકારે પદ્મશ્રીથી તેમનું સન્માન કર્યું હતું. લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે હવે તેમની ઉંમર અને સ્વાસ્થ્ય સારૂ રહેતું નથી. તેમણે બાકીના જીવનમાં ભગવાનના ભજન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે લોકોને જે પ્રેમ મળ્યો છે તે ક્યારેય ભૂલાશે નહીં. હવે ઉંમરને કારણે નિવૃત્તિ લઈ રહ્યાં છે.
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદળ ગામે 19 સપ્ટેમ્બર 1948મા થયો હતો. વર્તમાનમાં તેઓ જૂનાગઢ ખાતે રહે છે. લોકસાહિત્યકાર તરીકે તેમની સરફ આશરે પાંચ દાયકાની રહી છે.