દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે 62 ટકા જેટલુ મતદાન
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો માટે સાંજના પાંચ વાગ્યા સુધી લગભગ 58 ટકા મતદાન થયું હતું. અરવિંદ કેજરિવાલ, રાહુલ ગાંધી, ડો. એસ.જયશંકર સહિતના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ તમામ રાજકીય પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. મતદાન દરમિયાન કેટલાક સ્થળો ઉપર બોગસ મતદાનની ફરિયાદો ઉઠી હતી. સાંજે મતદાન પૂર્ણ થતા 699 જેટલા ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં હતા.મતદાન પૂર્ણ થયું ત્યારે એક અંદાજ પ્રમાણે 62 ટકા જેટલુ મતદાન થયું હતું.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું. દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ વખતે દિલ્હીના લોકોએ અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટ સરકાર અને તેમના ભ્રષ્ટ નેતાઓને સત્તા પરથી હટાવીને ભાજપને સત્તામાં લાવવાનો નિર્ણય લીધો છે. આ વખતે મુદ્દો ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને સુશાસનનો છે. હું દિલ્હીના લોકોને તેમના મતનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.
કાલકાજી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ મતદાન કર્યું હતું. આ દરમિયાન તેણીએ કહ્યું, હું દિલ્હીના લોકોને પરિવર્તન માટે મતદાન કરવા વિનંતી કરું છું. લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કંટાળી ગયા છે. હવે અહીંના લોકો ખૂબ જ પરેશાન છે. દિલ્હીના લોકો આમ આદમી પાર્ટી અને ભાજપથી કંટાળી ગયા છે. હું કાલકાજીથી જીતવાની છું. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નિર્માણ ભવનમાં પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે NDMC સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ, તુઘલક ક્રેસન્ટ ખાતે સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું હતું.
દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને નવી દિલ્હી વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદ કેજરિવાલ અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું. મતદાન બાદ અરવિંદ કેજરિવાલએ જણાવ્યું હતું કે, હું તમામને વિનંતી કરવા માંગુ છું કે, તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. દિલ્હીના વિકાસ માટે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ, એટલું જ નહીં જે લોકો કામ કરે છે તેમના તરફી જ મતદારો મતદાન કરશે.અરવિંદ કેજરિવાલના પત્ની સુનિતા કેજરિવાલે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ખુબ સમજદાર છે. તેમની ઉપર અમને પુરો વિશ્વાસ છે. મતદારો ગુંડાગીરીને સહન કરશે નહીં. મને પુરો વિશ્વાસ છે કે, દિલ્હીના લોકો યોગ્ય વ્યક્તિને જ પસંદ કરશે.