For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે, ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ કરી દીધીઃ મોદી

06:24 PM May 26, 2025 IST | revoi editor
અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે  ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ કરી દીધીઃ મોદી
Advertisement
  • વડાપ્રધાન મોદીએ ભૂજમાં રોડ શો યોજ્યો
  • કરોડો રૂપિયાના 33 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ
  • ભારત પર આંખ ઉઠાવવાવાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવેઃ મોદી

 અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ રોડ શો કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અને સભાને સંબોધન કર્યા બાદ ભૂજ આવી પહોચ્યા હતા. ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજી વડાપ્રધાન સભા સ્થળે પહોંચ્યા હતા. કચ્છમાં 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જંગી જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે. ઓપરેશન સિંદૂરે આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે પણ ભારતીયોનું ખૂન વહાવવાની કોશિશ કરશે તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. ભારત પર આંખ ઉઠાવવાવાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે.

Advertisement

વડાપ્રધાન મોદીએ કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ''કચ્છની પાવન ધરતી પર બિરાજમાન માતાના આશીર્વાદ આપણી બધી મનોકામનાઓ પૂરી કરે છે. માતાએ હંમેશા આ ધરતી પર કૃપા વરસાવી છે. સાથીઓ, મારો અને કચ્છનો નાતો જૂનો છે, તમારો પ્રેમ એટલો છે કે હું કચ્છ આવવાથી મારી જાતને રોકી શકતો નથી. જ્યારે હું રાજકારણમાં નહોતો, સત્તા સાથે કોઈ લેવાદેવા ન હતું ત્યારે પણ હું સતત કચ્છ આવતો હતો. મને ખૂણેખૂણે જવાનો મોકો મળ્યો,  આત્મવિશ્વાસથી ભરપૂર કચ્છ લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે. જે જૂની પેઢીના લોકો છે તે જાણે છે, વર્તમાન પેઢીને કદાચ ખબર નથી, આજે તો અહીંનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ ત્યારે સ્થિતિ કંઈક જુદી હતી. પાણી માટે સદીઓથી તરસતા કચ્છ પર મા નર્મદાએ કૃપા કરી. મારું સૌભાગ્ય છે કે સૂકી ભૂમિ પર પાણી પહોંચાડવાના કાર્યમાં નિમિત્ત બનવાનો તમે સૌએ મને અવસર આપ્યો. કચ્છમાં પાણી ન હતું, પરંતુ કચ્છના ખેડૂતો પાણીદાર હતા.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતુ કે, કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક રણ ઉત્સવ દરેકનું મન મોહી લે છે. અદભૂત ક્રાફ્ટ બજાર હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી ખાણી-પીણીની પરંપરા, અહીંનો તમારો દરેક અનુભવ અવિસ્મરણીય બની જશે. તમે બધાને મારો આગ્રહ છે કે એકવાર પોતાના પરિવાર સાથે આ રણ ઉત્સવમાં જરૂર આવો.

Advertisement

તેમણે પાકિસ્તાન પર પ્રહારો કરતા કહ્યું હતું કે,  પાકિસ્તાન જેવો દેશ છે કે, જે ટેરરિઝમને ટુરિઝમ માને છે. જે દુનિયા માટે મોટો ખતરો છે. આપણા ગુજરાતમાં કચ્છના લોકોને ખબર હશે કે, પહેલા ગાંધીનગરથી કોઈ મુખ્યમંત્રી કે મંત્રી કચ્છ આવે ત્યારે તેના ભાષણમાં પાકિસ્તાનથી શરૂ થતું અને પાકિસ્તાનથી પુરું થતું હતું. તમે જોયું હશે કે, 2001માં નક્કી કરી લીધું કે, હું તેમાં સમય બરબાદ નહીં કરું,. હું ફક્ત કચ્છની તાકાતની વાત કરીશ. કચ્છના લોકોએ પૂરા સામર્થ્ય સાથે પાકિસ્તાનને પણ ઈર્ષ્યા થઈ જાય તેવું કચ્છ બનાવી દીધુ છે.

Advertisement
Tags :
Advertisement