AMCની મુખ્ય કચેરી તથા અન્ય મિલકતોના લાઈટ બીલ મામલે વિપક્ષના સત્તાપક્ષ ઉપર આકરા પ્રહાર
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મુખ્ય કચેરી, વિવિધ ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને સ્ટ્રીટ લાઈટ બીલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાર સિસ્ટમને પ્રાધાન્ય આપીને પર્યાવરણને બચાવવા સૂચનો આપવામાં આવે છે. પરંતુ મનપાના સત્તાધીશોને પીએમની સૂચનનો અમલ કરવામાં કોઈ રસ નહીં હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો હતો.
વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની શહેરમાં મોટી સંખ્યામાં વિવિધ મિલકતો આવેલ છે જેમાં ઝોનલ ઓફિસ, સબ ઝોનલ ઓફિસ, હોસ્પિટલો અર્બન હેલ્થ સેન્ટર સીવીક સેન્ટરો જેવી અનેક ઓફિસો કાર્યરત છે જેનું લાઈટ બીલ પાછળ ટોરેન્ટ પાવરને દર વર્ષે કરોડો રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે દર વર્ષે બજેટમાં પણ મ્યુ.કોર્પોની વિવિધ કચેરીઓનું વીજ બીલ ધટાડવાની વાતો પણ થાય છે તે માટે નાણાંની જોગવાઈ પણ કરવામાં આવે છે પરંતુ તે માત્ર પોકળ વાયદા જ બની કાગળ પર જ રહેવા પામે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રીલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ સુધીનું મ્યુ.કોર્પોની મુખ્ય કચેરીનું વીજ બીલ ૧.૦૯ કરોડ તથા ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસો ૧૦ અર્બન હેલ્થ સેન્ટર તથા સ્ટ્રીટ લાઇટ મળી તેનું કુલ વીજ બીલ રૂા.૩૮.૫૨ કરોડનું બનવા પામે છે આમાં કોમ્યુનીટી હોલ, હોસ્પિટલો, પંપીગ સ્ટેશનો વિ.નું દર વર્ષનું કુલ બીલ ૧૦૦ કરોડથી પણ વધું હોય તેની નવાઈ નહી વીજ બીલ ધટાડવા માટે મયુ.કોર્પોના લાઇટ ડીર્ષામાં એનર્જી ઓડીટ ડીર્ષા કાર્યરત છે પરંતુ તંત્રના ઉચ્ચ અધિકારીઓ વીજ બીલ ધટાડવા બાબતની કોઇ ઇચ્છા શક્તિ જ ધરાવતાં નથી જેને કારણે મ્યુ. કોર્પોની તિજોરી પર નાણાંનું ભારણ દિન-પ્રતિદિન વધતું જાય છે જેને કારણે સત્તાધારી ભાજપને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્ષ નાખી પ્રજા સાથે દ્રોહ કરેલ છે અને પર્યાવરણને ગંભીર નુકશાન પણ પહોંચાડી રહ્યાં છે
એક તરફ ભાજપની કેન્દ્ર સરકાર ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણને થતું નુકશાન અટકાવવા ગંભીર છે ત્યારે બીજી તરફ મ્યુ.કોર્પોનું તંત્ર વીજ બીલ ધટાડવા મામલે કોઈ કાર્યવાહી કરતું નથી જે ખુબજ ગંભીર બાબત છે જો મ્યુ.કોર્પોની તમામ મિલકતોમાં સોલાર પેનલ નાખી વીજળી મેળવવામાં આવે તો વીજ બીલમાં મોટી રાહત પણ મળી શકે, પર્યાવરણને થતું નુકશાન પણ રોકી શકાય અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્ષ નાખવાની જરૂર પણ ના પડે જેથી મ્યુનિ.કોર્પોના આર્થિક તેમજ પ્રજાહીતમાં મ્યુ.કોર્પોની તમામ મિલકતો પર સોલાર પેનલ નાખી વીજ બીલ ધટાડવા બાબતે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.