ખેડૂતોને મદદ માટે CM ભૂપેન્દ્ર પટેલનો ઝડપી નિર્ણય: 3 દિવસમાં થશે નુકસાનનો સર્વે
ગાંધીનગરઃ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના તમામ જિલ્લા તંત્રોને સ્પષ્ટ સૂચના આપી છે કે, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસની અંદર પૂર્ણ કરવો જરૂરી છે. CM એ જણાવ્યું કે સર્વે પૂર્ણ થયા બાદ તરત જ અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક સહાયની પ્રક્રિયા ઝડપથી શરૂ કરી શકાય. સરકારનો ઉદેશ છે કે, પ્રભાવિત ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે રાહત મળી રહે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જિલ્લા તંત્રો પહેલેથી જ મેદાનમાં ઉતરી ગયા છે અને સર્વેનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે. અહેવાલના આધારે સહાયની રકમ નક્કી કરી ખેડૂતો સુધી સીધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ મંત્રીઓને નવા પ્રભારી જિલ્લાઓની ફાળવણી પણ કરવામાં આવી છે. વડોદરા અને ગાંધીનગર જિલ્લાની જવાબદારી હવે હર્ષ સંઘવીને સોંપાઈ છે, જ્યારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સુરત અને નવસારી જિલ્લાઓના પ્રભારી બન્યા છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટ જિલ્લાઓની જવાબદારી મળી છે, જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અમદાવાદ શહેર સાથે વાવ-થરાદ વિસ્તારની દેખરેખ સોંપાઈ છે. કુંવરજી બાવળિયા હવે પોરબંદર અને દ્વારકા જિલ્લાના પ્રભારી રહેશે, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડ અને તાપી જિલ્લાઓની જવાબદારી સંભાળશે. અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદ જિલ્લાઓ, પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢ, રમણ સોલંકીને ખેડા અને અરવલ્લી તથા પ્રફૂલ પાનસેરિયાને ભરૂચ જિલ્લાના પ્રભારી તરીકે ફાળવણી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નવી ફાળવણીનો હેતુ વહીવટી કાર્યક્ષમતા વધારવાનો અને જિલ્લા કક્ષાએ સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનો છે.