'ઓપરેશન સિંદૂર'એ દુનિયાને દેખાડી ભારતીય સેનાની શક્તિ : CDS અનિલ ચૌહાણ
નવી દિલ્હી : ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન સમગ્ર દુનિયા સામે કર્યું. આ મિશન સંપૂર્ણ સફળ રહ્યું અને તેની ચર્ચા વિશ્વસ્તરે થઈ. આ કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જોકે, લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે આ ઓપરેશન ખાસ કરીને રાત્રે 1.30 વાગ્યે જ કેમ હાથ ધરવામાં આવ્યું? આનો જવાબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે આપ્યો છે. જનરલ ચૌહાણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે જો આ ઓપરેશન સવારે 5 કે 6 વાગ્યાના આસપાસ ચલાવવામાં આવત તો તે સમય અઝાનનો હોય, જેના કારણે ત્યાં ઘણા લોકો હાજર રહેતા. તેથી જ રાત્રે 1.30 વાગ્યે કાર્યવાહી હાથ ધરવામાં આવી. તેમણે જણાવ્યું કે “ઓપરેશન સિંદૂર એ એક નવા પ્રકારના યુદ્ધની શરૂઆત કરી છે, જેમાં ભારતે દરેક હુમલામાં પાકિસ્તાનને નિર્ણાયક રીતે હરાવ્યું છે.”
CDS ચૌહાણે વધુમાં કહ્યું કે રાત્રિના સમયે ઓપરેશન ચલાવવાનો નિર્ણય સેનાની અદ્યતન તકનીકમાં વિશ્વાસને કારણે લેવાયો હતો. સેટેલાઇટ ઇમેજિંગ અને અન્ય આધુનિક ટેક્નોલોજીની મદદથી સચોટ નિશાન સાધી શકાય છે. “આ ઓપરેશન એ સાબિત કરી દીધું કે લાંબી અંતરિયાળ ટાર્ગેટને રાત્રે પણ ચોક્કસ હિટ કરી શકાય છે,” એમ તેમણે જણાવ્યું હતું. જનરલ ચૌહાણે ભારપૂર્વક કહ્યું કે પરંપરાગત યુદ્ધની તુલનામાં આ યુદ્ધ જમીન, હવા, સમુદ્ર અને સાઇબર ક્ષેત્રમાં લડાયું હતું. આ જીતનું એક મુખ્ય પરિમાણ એ હતું કે ભારતે ઉચ્ચ તકનીક દ્વારા પોતાના શક્તિશાળી હુમલાનું પ્રદર્શન કર્યું. ખાસ કરીને રાત્રે લાંબી અંતરિયાળ લક્ષ્યો પર ચોક્કસ હુમલો કરવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા. સ્કૂલી બાળકોના એક જૂથ સાથેની વાતચીતમાં જનરલ ચૌહાણે તેમને મોબાઇલ સ્ક્રીન અને ડિજિટલ દુનિયાથી આગળ વધી એ સ્થળોની સાહસિક યાત્રા કરવા પ્રોત્સાહિત કર્યા, “જ્યાં પહોંચવાનો અનુભવ કોઈ પણ સંપત્તિ આપી શકતી નથી.” તેમણે બાળકોને સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા પણ આપી.