ઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ એર સ્ટ્રાઈકમાં 5 આતંકી ઠાર માર્યા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાબ આપ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણા સંપૂર્ણપણે નાશ કર્યા. 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનમાં ઠાર મરાયેલા આતંકવાદીઓની યાદી જાહેર કરવામાં આવી. ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનમાં ટોપ-5 આતંકવાદીઓ ઠાર માર્યા છે. આમાં લશ્કરના આતંકવાદી મુદસ્સર ખાડિયાનનો પણ સમાવેશ થાય છે, જેને પાકિસ્તાની સેના દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના નજીકના લોકોને પણ ખતમ કરવાની પુષ્ટિ કરી છે. આ આતંકવાદીએ જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યો હતો. તે ઇન્ડિયન એરલાઇન્સના IC-814 વિમાનના હાઇજેક કેસમાં પણ વોન્ટેડ હતો.
- ઠાર મરાયેલા આતંકવાદીઓ:
મુદસ્સર ખાદિયાન ખાસ ઉર્ફે મુદસ્સર ઉર્ફે અબુ જુંદાલ (લશ્કર-એ-તૈયબા): મરકઝ તૈયબા, મુરીદકેનો ઈન્ચાર્જ. પાકિસ્તાન સેનાએ તેના અંતિમ સંસ્કારમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું. પાકિસ્તાની સેના પ્રમુખ અને પંજાબના મુખ્યમંત્રી (મરિયમ નવાઝ)એ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમયાત્રાની નમાઝ એક સરકારી શાળામાં યોજાઈ, જેનું નેતૃત્વ જમાત-ઉદ-દાવા (વૈશ્વિક આતંકવાદી સંગઠન)ના હાફિઝ અબ્દુલ રઉફે કર્યુ હતું. નમાઝમાં પાકિસ્તાની સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી હાજર રહ્યા હતા.
હાફિઝ મુહમ્મદ જમીલ (જૈશ-એ-મોહમ્મદ): મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો. મરકઝ સુભાન અલ્લાહ, બહાવલપુરના ઈન્ચાર્જ. યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં અને જૈશ-એ-મોહમ્મદ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્રિય રીતે સામેલ.
મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ જી ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ઘોસી સાહબ (જૈશ-એ-મોહમ્મદ): મૌલાના મસૂદ અઝહરનો સાળો. જૈશ-એ-મોહમ્મદ માટે શસ્ત્રોની તાલીમ સંભાળતો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ. IC-814 હાઇજેકિંગ કેસમાં વોન્ટેડ.
ખાલિદ ઉર્ફે અબુ અક્સા (લશ્કર-એ-તૈયબા): જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ. અફ્ઘાનિસ્તાનથી હથિયારોની દાણચોરીમાં સામેલ. દફનવિધિ ફૈઝલાબાદમાં થઈ હતી, જેમાં પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈઝલાબાદના ડેપ્યુટી કમિશનર હાજર રહ્યા હતા.
મોહમ્મદ હસન ખાન (જૈશ-એ-મોહમ્મદ): મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં જૈશનો ઓપરેશનલ કમાન્ડર હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં સક્રિય હતો.