સાયલા પાળિયાદ રોડ પર ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારતા એકનું મોત.10 બાળકોને ઈજા
- બાળકો શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેકટિસ કરીને સ્કૂલવાનમાં પરત ફરી રહ્યા હતા
- અકસ્માત બાદ ડમ્પર સાથે તેનો ચાલક નાસી ગયો
- ગંભીર ઈજાગ્રસ્ત 6 બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયલા-પાળિયાદ રોડ પર સુડામડા નજીક ડમ્પર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. ડમ્પરે સ્કૂલવાનને ટક્કર મારતા સ્કૂલવાનમાં 10 બાળકોને ઈજાઓ થઈ હતી. જ્યારે એક બાળકનું મોત નિપજ્યું હતુ. આ અકસ્માતના બનાવમાં સ્કૂલવાનને ટક્કર માર્યા બાદ ડમ્પર સાથે તેનોચાલક નાસી ગયો હતો.
સાયલા પાળીયાદ રોડ પર ડમ્પર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વાંટાવચ્છ ગામના પાટિયા પાસે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક બાળકનું મોત થયું છે. અકસ્માત સમયે બાળકો એક ખાનગી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરીને સ્કૂલવાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકો વાંટાવચ્છ અને ઉમાપરા ગામના છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલા અને સુદામડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી વધુ ગંભીર ઈજાઓવાળા 6 બાળકોને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યુ હતુ. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે શાળાના આચાર્ય રમેશભાઈ ઝાપડીયાએ જણાવ્યું કે, ભાગવત સપ્તાહમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેકટીસ માટે બાળકોને સ્કૂલ વાનમાં સ્કૂલમાં બોલાવ્યા હતા. બાદમાં પરત ઘેર જમવા જતી વખતે સ્કૂલ વાનને પાછળથી પુરઝડપે આવતા ડમ્પરે અકસ્માત સર્જાતા કેટલાંક બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.