ઓખાઃ જેટી બાંધકામ દરમિયાન અકસ્માતમાં ત્રણના મોત
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં બુધવારે જેટી નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ક્રેન તૂટી પડતાં એન્જિનિયર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક સુપરવાઈઝર અને એક કાર્યકરનો પણ સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, ત્રણ લોકોના મોતની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓખા મરીન પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઓખા, દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્વારા જેટી બનાવવાની કામગીરી લગભગ એક વર્ષથી ચાલી રહી છે. આજે જેટી બનાવવાના કામ દરમિયાન અચાનક ક્રેન તૂટી પડતા ત્રણ લોકો પાણીમાં પડી ગયા હતા, જ્યારે એક વ્યક્તિ દટાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ જીએમબી કોસ્ટ ગાર્ડ, ઓખા મરીન પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીમાં પડેલા એક વ્યક્તિનો કોઈ રીતે બચાવ થયો હતો. જ્યારે બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દટાઈ જવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતકોમાં જીતન કરાડી (23), અરવિંદ કુમાર (24) અને નિશાંત સિંહનો સમાવેશ થાય છે.