ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં તોતિંગ વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ
- નવા શૈક્ષણિક સત્રથી રૂપિયા 1800થી 4500નો કરાયો વધારો
- ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કૂલપતિનો ઘેરાવ કરાશે
- યુનિના રજિસ્ટ્રારને અપાયુ આવેદનપત્ર
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. વિવિધ ફેકલ્ટીઓની ફીમાં 1800 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, ફીમાં તોતિંગ વધારો કરાતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ ગુજરાત યુનિના રજિસ્ટ્રારને આવેદન આપીને ચીમકી આપી છે કે, 2 દિવસમાં ફીમાં વધારો પરત ખેંચવામાં ન આવે તો NSUI દ્વારા કુલપતિના ઘરનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની એક્ઝ્યુક્યુટીવ કાઉન્સિલની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં બીકોમથી પીએચડીના અભ્યાસમાં ફીમાં 1,800 રૂપિયાથી લઈને 4,500 રૂપિયાનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરાશે. ફી વધારા મામલે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા રજિસ્ટ્રારને મળીને ફી વધારો પરત ખેંચવા માગ કરી છે. 2 દિવસમાં ફી વધારો પરત ખેંચવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું તે જ દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ફી વધારો પરત ખેંચવો જ પડશે નહીં તો NSUI દ્વાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને કુલપતિના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે.