શિયાળાનું સુપરફૂડ બીટ જ નહીં તેની છાલમાં પણ છે સુંદરતા અને આરોગ્યના રહસ્યો
શિયાળાના દિવસોમાં બીટને સુપરફૂડ ગણવામાં આવે છે. લોકો તેને જ્યુસ, સલાડ અને વિવિધ રીતે પોતાના આહારમાં સામેલ કરે છે. તેમાં પાણીની સારી માત્રા હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે સાથે તે ફાઈબર અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ બને છે. પરંતુ મોટાભાગના લોકો બીટ છોલીને તેની છાલ ફેંકી દે છે, જ્યારે આ છાલ પણ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે ખાસ કરીને ત્વચા, વાળ અને છોડ માટે...
ચહેરા માટે બીટનો ફેસપેકઃ બીટની છાલને સારી રીતે ધોઈને પીસી લો. તેમાં ગુલાબજળ અને થોડું બેસણ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર 10-15 મિનિટ લગાવો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો. આ ફેસપેક ચહેરાને તેજ આપશે અને દાગ-ધબ્બાઓ હળવા કરવામાં મદદરૂપ થશે.
કુદરતી લિપ ટિન્ટઃ શિયાળામાં ફાટેલા હોઠને નમી રાખવા માટે ઘરેલું લિપ ટિન્ટ તૈયાર કરી શકાય છે. બીટની છાલને સુકવીને તેનો રસ કાઢો અને તેમાં નાળિયેર તેલ મિક્સ કરો. આ મિશ્રણથી બનાવેલ પેસ્ટ હોઠ પર લગાવવાથી હોઠને નેચરલ ગુલાબી રંગ અને મોઈશ્ચર મળે છે.
બાગબગીચામાં ઉપયોગઃ બીટરૂટની છાલને કમ્પોસ્ટ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. અન્ય શાકભાજીના છાલ સાથે તેને કમ્પોસ્ટ પિટમાં નાખવાથી કુદરતી જૈવિક ખાત તૈયાર થાય છે, જે છોડને તંદુરસ્ત રાખે છે.
વાળ માટે હેર પેકઃ બીટની છાલને પાણીથી ધોઈને પીસી લો. આ પેસ્ટને સીધા વાળમાં લગાવી શકાય છે અથવા છાલને પાણીમાં ઉકાળીને ઠંડું થયા પછી તે પાણીથી વાળ ધોઈ શકાય છે. આ નેચરલ હેર ટોનિક ડૅન્ડ્રફ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે અને વાળને ચમકદાર બનાવે છે.
બીટરૂટની છાલ વાપરતા પહેલાં તેને સારી રીતે ધોઈ લેવી જોઈએ, જેથી માટી અથવા કેમિકલ દૂર થઈ જાય. જો ત્વચા પર કોઈ પ્રકારની એલર્જી અથવા ઈરિટેશન થાય, તો તેનો ઉપયોગ તરત બંધ કરી દેવું. ઘરેલું ઉપાય દરેકને સુટ થાય એવું જરૂરી નથી.