For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

11:28 AM Nov 11, 2025 IST | revoi editor
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય
farmers in Gujarat
Advertisement
  • વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાયનો નિર્ણય
  • વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરેલી રજૂઆત ધ્યાનમાં લેવાઈ
  • પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે રૂ. ૯૪૭ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ ૩૩ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ. ૧૨,૦૦૦ પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. ૨૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે ઊંડાણપૂર્વક રસ લઈને ખેડૂતોના હિતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્યસહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

  • પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તા. ૧૧ નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે

આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

એટલું જ નહીં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

  • ખેડૂતો પોતાના ગામના VCE/VLEના માધ્યમથી આગામી ૧૫ દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશે

ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ તા. ૧૧ નવેમ્બરથી આગામી ૧૫ દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement