ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો છબરડો, LLBની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પ્રશ્નપત્ર અપાયું
- ન્યાયશાસ્ત્રના પ્રશ્નપત્રમાં પ્રશ્નક્રમાંકમાં પણ ફેરફાર કરાયો નહતો
- ગયા વર્ષનું પેપર આ વર્ષે કેમ અપાયું તેની તપાસ માટે કમિટીની રચના
- રાજકોટની એજન્સી પાસે ખૂલાસો મંગાયો
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ એલએલબી સેમેસ્ટર-4ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં ન્યાયશાસ્ત્ર વિષયની પરીક્ષામાં ગત વર્ષ એટલે કે માર્ચ 2024નું પ્રશ્નપત્ર બેઠેબેઠું અપાતા પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો. આશ્વર્યની વાત એ છે કે, પેપર પર માર્ચ 2024 લખેલું હતું અને સમય તેમજ પ્રશ્ન ક્રમાંકમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આછબરડો પ્રકાશમાં આવતા યુનિના સત્તાધિશોએ તપાસના આદેશ આપ્યા છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર 4ની પરીક્ષાઓ ચાલી રહી છે. 7 એપ્રિલ 2025ના રોજ ન્યાયશાસ્ત્ર (Jurisprudence)નું પેપર લેવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે, કેટલાક પરીક્ષા કેન્દ્રો પર 2024નું જૂનું પેપર આપવામાં આવ્યું હતું. પેપર પર માર્ચ 2024 લખેલું હતું અને સમય તેમજ પ્રશ્ન ક્રમાંકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. શેઠ એમ.એન. લૉ કોલેજ પાટણ અને ઊંઝા લૉ કોલેજમાં પરીક્ષાર્થીઓને ગત વર્ષનું પ્રશ્નપત્ર અપાયુ હતુ. અન્ય કેન્દ્રો પર પણ આવી જ સ્થિતિ હતી. પરીક્ષા આપીને વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા બાદ જ ખ્યાલ આવ્યો કે તેમને 2024નું પેપર આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કે અન્ય સત્તાધીશોએ પેપર ક્રોસ ચેક કરવાની તસ્દી લીધી ન હતી.આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે યુનિની ગંભીર બેદરકારી બદલ સખત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરત યુનિવસિટીના રજીસ્ટ્રારના કહેવા મુજબ ઈઆરપી સિસ્ટમ ડેવલોપ કરનારી ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ એજન્સી પાસે બે પેપર કેવી રીતે અપલોડ થયા તેનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. આ અંગે તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે પાટણ અને ઊંઝાની કોલેજ પાસે અહેવાલ માગવામાં આવ્યો છે. તેમજ બેદરકારી દાખવનારી કોલેજો પાસે ખુલાસો પૂછવામાં આવશે .શુદ્ધિ સમિતિમાં 2024 ના પેપર આપવા બાદલ શું કાર્યવાહી કરવી, પેપર રદ કરવું કે ફરી લેવું તે બાબતે નિર્ણય લેવાશે.