IPL અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી : BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો હતો, પરંતુ હાલમાં બોર્ડે હજુ સુધી નવું સમયપત્રક જાહેર કર્યું નથી. ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, હાલમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને બોર્ડ બધાના સંપર્કમાં છે.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા લશ્કરી તણાવને પગલે 9 મેના રોજ ભારતીય ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. BCCIએ લીગની 18મી સીઝન એક અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. આ પછી 10 મેના રોજ શનિવારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ BCCIએ રવિવારે આ અંગે એક બેઠક બોલાવી હતી. જોકે, રવિવારે પણ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તેનું એક કારણ ભારતમાંથી ઘણા વિદેશી ખેલાડીઓનું પરત ફરવું માનવામાં આવી શકે છે.
BCCI ઊપપ્રમુખે IPL વિશે શું કહ્યું ?
11 મેના રોજ રવિવારે જ્યારે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને IPL 2025 ફરી શરૂ કરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે બોર્ડ આ અંગે બધા સાથે ચર્ચા કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, IPL અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બોર્ડના અધિકારીઓ ઉકેલ પર કામ કરી રહ્યા છે. BCCI સેક્રેટરી, IPL ચેરમેન ફ્રેન્ચાઇઝીઓ અને બધા સાથે વાત કરી રહ્યા છે તેથી ખૂબ જ ટૂંક સમયમાં અમને નિર્ણય વિશે ખબર પડશે. શક્ય તેટલી વહેલી તકે ટુર્નામેન્ટ ફરી શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શું 16 મેથી શરૂ થઈ શકે છે IPL ?
મળતી માહિતી મુજબ, 16 મેથી ફરી IPL શરૂ થઈ શકે છે. વર્તમાન સિઝનની બાકીની મેચ ચાર સ્થળોએ રમી શકાશે. ફાઈનલ મેચ 30 મેના રોજ યોજાવાની શક્યતા છે. નવું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જ્યારે ફાઈનલ કોલકાતાની બદલે અમદાવાદમાં યોજાવાની સંભાવના પણ છે.