ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NIAના દરોડા, સાણંદમાંથી એકની અટકાયત
અમદાવાદઃ NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત અમદાવાદના સાણંદના ચેખલા ગામે, મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી.
અમદાવાદના ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતા શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યકિતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા શંકાસ્પદ વ્યકિતનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને જે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું તેમાં અમદાવાદ જિલ્લા પોલીસને પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.
છેલ્લા ઘણા વર્ષોથી આતંકી સંગઠનના મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાઈવર્ટ થયા છે. જેમાં ખાસ કરીને કેટલાક ખાસ ગ્રુપ બનાવીને તેમાં લોકોને અલગ અલગ મોડ્યુલમાં વિચારધારા સાથે જોડીને ત્યારબાદ તેઓને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાના અનેક બાબતો સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. જે બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.