પહેલગામ હુમલાની તપાસને લઈને NIAએ પ્રવાસીઓને અને જનતા કરી ખાસ અપીલ
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને એનઆઈએની ટીમ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. એનઆઈએની તપાસમાં સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કનેકશન પણ સામે આવ્યું છે. દરમિયાન એનઆઈએએ આ હુમલાની તપાસને લઈને જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ અર્થે ગયેલા પ્રવાસીઓ અને દેશની જનતાને અપીલ કરીને જો તેમની પાસે આતંકવાદી હુમલા સંબંધિત ફોટોગ્રાફ, વીડિયો અને કોઈ પણ માહિલી હોય તો પુરી પાડવા કહ્યું છે.
રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA-એ પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત માહિતી, તસવીરો અથવા વીડિયો હોય તો તે તાત્કાલિક મોકલવા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને અપીલ કરી છે. NIA એ જણાવ્યું કે, પ્રવાસીઓ સંસ્થાનો મોબાઇલ નંબર 96 54 95 88 16 અથવા લેનલાઇન નંબર – 011 24 36 88 00 પર ફોન કરી માહિતી આપી શકે છે.
NIA એ જણાવ્યું હતું કે, તેણે હુમલાના વિવિધ પાસાઓ દર્શાવતા મોટી સંખ્યામાં તસવીરો અને વીડિયો કબજે કર્યા છે અને તેની તપાસ કરી રહી છે. પ્રવાસીઓ અને અન્ય લોકોએ જાણતાં-અજાણતાં કેટલીક સંબંધિત વિગતો જોઈ, સાંભળી અથવા ક્લિક કરી હશે, જે હુમલા પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં મદદ કરી શકે છે.