પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ, અન્નપૂર્ણા ભવન અને વિશ્રામગૃહનું ઉદ્ઘાટન
વડોદરાઃ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી પહેલાં દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક સાથે 600થી વધુ ભક્તો બેસીને પ્રસાદ લઈ શકશે.
અન્નપૂર્ણા ભવનમાં ભક્તોને માત્ર ₹20માં સવારનો ચા-નાસ્તો અને ₹20 માં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કાલિકા મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, એસપી હિમાંશુ સોલંકી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાલિકા ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે, વર્ષોથી ભક્તોની પ્રસાદીની માંગને પૂરી કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતા ભક્તો માટે રાત્રિ રોકાણની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. યાત્રિકો માત્ર ₹50ના ટોકનથી વિશ્રામગૃહમાં રોકાણ કરી શકશે.
વિશ્રામગૃહમાં એક સાથે 1000થી વધુ યાત્રિકો રહી શકે તેવી વ્યવસ્થા છે. અહીં ગાદલું, ઓશીકું, ઓઢવાની અને સ્નાનની સુવિધા ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે. ઉદ્ઘાટન દિવસે સુરતના દાતા પરેશભાઈ બારૈયા તરફથી પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.