For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, સાચા અર્થમાં 'ભક્તિ' છે : આચાર્ય દેવવ્રત

11:48 AM Dec 31, 2024 IST | revoi editor
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી  સાચા અર્થમાં  ભક્તિ  છે   આચાર્ય દેવવ્રત
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને તેનો વ્યાપ વધારવા રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે યોજાઇ હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને હવે 'ભારતનું મિશન' બનાવી દીધું છે. ભારતના પ્રત્યેક રાજ્યને પ્રાકૃતિક ખેતી મિશનમાં જોડ્યા છે. ગુજરાતે આ 'મિશન'નું નેતૃત્વ કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે, સૌને સ્વાસ્થ્યપ્રદ અન્ન મળે એ આપણી નૈતિક જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પણ સાચા અર્થમાં ભક્તિ છે. પર્યાવરણ, જન આરોગ્ય અને ભૂમિની ગુણવત્તા સુધારવાનો મહાયજ્ઞ છે. આ કામની જવાબદારી સંભાળતા સૌ કોઈએ પૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક આ કામમાં લાગવાનું છે.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે પોતાનો ખેતી વિસ્તાર વધારે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનો માટેની વેચાણ વ્યવસ્થા વધુ સૃદઢ થાય, પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવી દેશી ગાયની સંખ્યામાં વૃદ્ધિ થાય અને નસલમાં સુધારો થાય, પ્રાકૃતિક ખેતી કરવા ઉત્સુક ખેડૂતોને ગોબર-ગૌમુત્ર, જીવામૃત-ઘનજીવામૃત, બીજામૃત અને અન્ય પ્રાકૃતિક ઔષધો સરળતાથી ઉપલબ્ધ થાય, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં નિયમિત સંશોધનો કરે અને તેના પરિણામો ખેડૂતો સમક્ષ રજૂ કરે એ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અત્યંત મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું અને તંત્રને સૂચનાઓ પણ આપી હતી.

Advertisement

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયત્નો પર વિશેષ ભાર મુકતાં કહ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવ્રવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ભારે મહેનત કરી રહ્યા છે. તેમની સાથે સૌએ સંયુક્ત રીતે 'મિશન મોડ' પર કામ કરવાનું છે.

પ્રાકૃતિક ખેતી વાસ્તવિક અર્થમાં ખેડૂતો, સરકાર અને ભાવિપેઢી માટે ફાયદાકારક છે, તેમ જણાવીને મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કોઈ સૂચન હોય તો તેનો આવનારા બજેટમાં સમાવેશ કરી શકાય છે. મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી દ્વારા વધુને વધુ ખેડૂતો લાભાન્વિત થાય અને રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થાય તે અંગે આયોજનબદ્ધ કામ કરવા સૂચવ્યું હતું.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનીષકુમાર બંસલ પણ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement