For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં દારૂની પાર્ટી પર રેડ પાડતા PSI સાથે ઝપાઝપી કરનારા નબીરાની ધરપકડ

04:05 PM Oct 24, 2025 IST | Vinayak Barot
સુરતમાં દારૂની પાર્ટી પર રેડ પાડતા psi સાથે ઝપાઝપી કરનારા નબીરાની ધરપકડ
Advertisement
  • પોલીસે અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી પર રેડ પાડી હતી,
  • ઉદ્યોગપતિના પૂત્રએ પોલીસ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી,
  • પોલીસે માફીનામુ લખાવીને આરોપીને છોડી મુક્યો, મીડિયાએ હોબાળો મચાવતા પોલીસે ધરપકડ કરી

સુરતઃ શહેરના અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાય તે પહેલા જ પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા ઉદ્યોગપતિના પૂત્રએ પીએસઆઈ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી. પોલીસે આરોપી નબીરાની અટકાયત કરી હતી. ત્યારબાદ કોઈ દબાણ આવતા પોલીસે ઉદ્યોગપતિના પૂત્ર પાસે માફીનામું લખાવીને છોડી મુક્યો હતો. આ બનાવના વિડિયો કૂટેજ સાથે મિડિયામાં ન્યુઝ આવતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા અંતે પોલીસે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહની ધરપકડ કરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, સુરતના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાય એ પહેલાં જ બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, દરમિયાન પોલીસની રેડથી ઉશ્કેરાયેલા ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જૈનમ શાહે પીએસઆઈ  સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ પોલીસે એ સમયે આરોપી જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા હતા. મીડિયા દ્વારા આ મુદ્દે સતત અહેવાલ પ્રકાશિત થતાં અને પોલીસની બેદરકારી પર આંગળી ચીંધાતાં તંત્ર હરકતમાં આવ્યું અને જૈનમની ધરપકડ કરી તેની કાર જપ્ત કરવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ શહેરના અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટીના સ્થળે પોલીસે રેડ પાડતા પોલીસની નજર સામે જ દારૂની પાર્ટીમાં આવેલા અન્ય લોકો ભાગી છૂટ્યા હતા, જ્યારે જૈનમની કારમાંથી બિયરના ટિન પણ મળ્યાં હતાં. મીડિયા અહેવાલોના પગલે ઊભા થયેલા વિવાદ પછી અલથાણ પોલીસે આખરે દબાણમાં આવીને જૈનમ શાહ વિરુદ્ધ ફરજમાં રુકાવટ લાવવાનો ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થયા બાદ જૈનમને બે નોટિસ આપવામાં આવી હતી, જેના પગલે તે અલથાણ પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે જૈનમ શાહની ધરપકડ કરીને અટકાયતી પગલાં લીધાં હતાં અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતુ. અલથાણ પોલીસ જૈનમને રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પોલીસે નબીરાનો મિજાજ ઉતારી નાખ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement