પહેલગામ હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષકે ઈસ્લામ છોડવાનો લીધો નિર્ણય
કોલાકતાઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે અને આતંકીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન, આ હુમલાથી નિરાશ થઈને, પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
માહિતી અનુસાર, પહેલગામમાં લોકોને મારતા પહેલા, આતંકવાદીઓએ એ પણ ખાતરી કરી હતી કે તેઓ કયા ધર્મના છે. સાબીર દક્ષિણ 24 પરગણા જિલ્લાના બદુરિયામાં નિર્માણ આદર્શ વિદ્યાપીઠમાં વિજ્ઞાન શિક્ષક છે. શાળાના શિક્ષક સાબીર હુસૈને કહ્યું છે કે દેશમાં દરરોજ ધર્મના નામે હિંસાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે તેઓ ખૂબ જ દુઃખી છે. પહેલગામ આતંકવાદી હુમલાથી નિરાશ થયેલા બદુરિયાના સાબીર હુસૈને પણ ઇસ્લામ છોડવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે.
સાબીર હુસૈને કહ્યું કે હિંસા ફેલાવવા માટે ધર્મનો વારંવાર દુરુપયોગ કરવામાં આવે છે, જે યોગ્ય નથી. પોતાના નિર્ણયનો ખુલાસો કરતા તેમણે કહ્યું- હું કોઈ ધર્મનો અનાદર નથી કરી રહ્યો. આ મારો અંગત નિર્ણય છે. મેં જોયું છે કે હિંસા ફેલાવવા માટે ધર્મનો ઉપયોગ કેવી રીતે હથિયાર તરીકે થાય છે. કાશ્મીરમાં આવું ઘણી વખત બન્યું છે. હું હવે તે સહન કરી શકતો નથી.
તેમણે આગળ કહ્યું, 'હું ફક્ત એક માનવી તરીકે ઓળખાવા માંગુ છું, કોઈ ધાર્મિક ઓળખને કારણે નહીં.' એટલા માટે હું કોર્ટમાં અરજી કરવા આવ્યો છું. સાબીરે વધુમાં જણાવ્યું હતું કે, પહેલગામ જેવી હિંસક ઘટનાઓમાં ધર્મનો દુરુપયોગ થાય છે. કોઈને તેના ધર્મના કારણે મારવા એ કેવી રીતે યોગ્ય છે? આનાથી મને ખૂબ દુઃખ થાય છે.
વર્તમાન વાતાવરણ પર ટિપ્પણી કરતા હુસૈને કહ્યું કે તેઓ એવી દુનિયામાં રહેવા માંગતા નથી જ્યાં બધું ધર્મની આસપાસ ફરે છે. તેમણે કહ્યું કે, આજકાલ બધું ધર્મની આસપાસ ફરતું લાગે છે. હું આવી દુનિયામાં રહેવા માંગતો નથી. સાબીર હુસૈનના મતે, તેમણે આ નિર્ણય સ્વતંત્ર રીતે લીધો છે અને કહ્યું છે કે તેઓ તેમની પત્ની અને બાળકોને જે પણ રસ્તો પસંદ કરશે તેમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપશે.