સેનાના અધિકારીઓને આતંકીઓની અંતિમવિધીમાં સામેલ થવાનો આદેશ મુનીરે આપ્યો હતો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સેના અને આતંકવાદી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠનો મોટો પર્દાફાશ થયો છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઇલિયાસ કશ્મીરીએ એક વિડિયોમાં સ્વીકાર્યું છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરે આદેશ આપ્યો હતો કે “ઓપરેશન સિંદૂર”માં માર્યા ગયેલા આતંકીઓને ‘શહીદ’નો દરજો આપીને તેમના અંતિમ સંસ્કારમાં ટોચના સૈનિક અધિકારીઓ હાજર રહે.
કશ્મીરીના જણાવ્યા મુજબ પાકિસ્તાની GHQ (જનરલ હેડક્વાર્ટર) તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે કોર કમાન્ડરો પણ સૈનિક વર્દીમાં હાજરી આપે અને સુરક્ષા વ્યવસ્થા સંભાળે. આ ખુલાસાએ પાકિસ્તાનની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને ભારત પર સતત થતા હુમલાઓ પાછળની હકીકત ઉજાગર કરી છે.
કશ્મીરીએ સ્વીકાર્યું કે મૌલાના મસૂદ અઝહર ભારતના અનેક હુમલાઓ માટે જવાબદાર રહ્યો છે. IC-814 વિમાન અપહરણ બાદ તિહાર જેલમાંથી મુક્તિ મેળવી પાકિસ્તાન પહોંચ્યા બાદ બાલાકોટ તેની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું, જ્યાંથી દિલ્હી અને મુંબઈમાં આતંકી હુમલાઓની સાજિશો ઘડી હતી. આ વચ્ચે લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસૂરીનો વિડિઓ પણ સામે આવ્યો છે. તેમાં તેણે 22 એપ્રિલના પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનો સ્વીકાર કર્યો હતો અને સાથે જ ભારતને ખુલ્લી ધમકી આપી હતી. કસૂરીએ જણાવ્યું કે ભારતના ડેમ, નદીઓ અને કાશ્મીરની જમીન પર કબ્જો કરવાની કોશિશ થશે.
કસૂરીએ વધુમાં ખુલાસો કર્યો કે પાકિસ્તાન સરકાર અને સેના ખુદ લશ્કરને ફંડિંગ કરી રહ્યા છે જેથી તેનું મુખ્યાલય મુરીદકે ખાતે ફરી ઉભું થઈ શકે. આ જ મુખ્યાલય ભારતે “ઓપરેશન સિંદૂર” દરમિયાન નષ્ટ કર્યું હતું. કસૂરીએ દાવો કર્યો કે મુશ્કેલ પરિસ્થિતિ છતાં લશ્કરની શક્તિ ઓછી નથી થઈ અને પાકિસ્તાનની પ્રજાને ખુલ્લો સમર્થન આપવા આહ્વાન કર્યું છે.