અમદાવાદમાં ઘરદીઠ કાપડની બે થેલી આપવા મ્યુનિ. કોર્પોરેશન 11 કરોડ ખર્ચશે
- પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા કાપડની થેલી અપાશે
- કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા 35થી 37ના ભાવે ખરીદી કરાશે
- રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર અપાશે
અમદાવાદઃ શહેરના લોકોને ઘરદીઠ કાપડની બે થેલી આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રુપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને આપવા મ્યુનિની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.કોટન અને પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા 35થી 37ની રકમથી ખરીદવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા અગાઉ ભીના અને સુકા કચરા માટે ઘરદીઠ બે ડસ્ટબિન આપવામાં આવ્યા હતા. હવે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે ઘરદીઠ કાપડની બે થેલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બર-2022થી 120 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકની થેલીઓ સહીત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા અમદાવાદ શહેરમાં સોળ લાખ મિલકતના હીસાબથી ઘર દીઠ બે કાપડની થેલી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર જારી કરવામાં આવ્યુ હતુ. ટેન્ડરમાં કુલ આઠ બીડર દ્વારા ઓફર કરવામાં આવતા તમામ દ્વારા રજૂ કરવામાં આવેલા સેમ્પલ અટીરા ટેક્ષ્ટાઈલ ખાતે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.આ પૈકી લોએસ્ટ આવેલા ચાર બીડરને કોટન-પોલીએસ્ટરની થેલી આપવા માટે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી વર્ક ઓર્ડર આપવા માટે કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ટેન્ડરની શરત મુજબ થેલીઓની સંખ્યામાં વધારો થશે તો એજન્સીઓ પાસેથી વધારાનો જથ્થો ખરીદ કરવામા આવશે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા 11 કરોડથી વધુ ખર્ચ કરાયા બાદ લોકો કાપડની થેલીનો ઉપયોગ કરશે કે કેમ તે પ્રશ્ન છે.