ગાંધીનગરમાં મ્યુનિ. દ્વારા રૂપિયા 10 કરોડના ખર્ચે 7 હેલ્થ સેન્ટરો બનાવાશે
- શહેરમાં દર ત્રણ સેક્ટર વચ્ચે એક અર્બન હેલ્થ સેન્ટર બનાવાશે
- ધોળાકૂવા, બોરીજ અને ઈન્દ્રોડા સહિત વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો કાર્યરત થશે
- નાગરિકોને પોતાના ઘર નજીક તબીબી સેવા મળી રહે એવું આયોજન કરાયું
ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેક્ટ ર7, 21, 22, 23, તેમજ ધોળાકૂવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે નવા સાત જેટલા અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. અને આ માટે મ્યુનિ. દ્વારા રૂપિયા 10 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવશે. આ અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. શહેરી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધુ સુદ્રઢ બનાવવા આ આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર ત્રણ સેક્ટર વચ્ચે એક અર્બન હેલ્થ સેન્ટર ઉભું કરાશે, છેલ્લા થોડા સમયથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે આરોગ્ય લક્ષી સેવાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને નવા અને જુના સેક્ટરોમાં અર્બન હેલ્થ સેન્ટરને અપગ્રેડ કરવામાં આવ્યા છે. જ્યાં આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારવામાં આવી છે ત્યારે નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હજી પણ વધુ અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગર શહેરના સેક્ટર 7, સેક્ટર 21, સેક્ટર 22, સેક્ટર 23,ધોળાકુવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જે અંતર્ગત દેવર્ષ કન્સ્ટ્રક્શનનું અંદાજ કરતા 18 ટકા નીચું એટલે કે 10 કરોડ રૂપિયાનું ટેન્ડર ભરાઈને આવ્યું છે. જેને મંજૂરી અર્થે આગામી મંગળવારે મળનારી સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. આગામી સમયમાં તૈયાર થનારા આ અર્બન હેલ્થ સેન્ટરોમાં તબીબી સુવિધાઓ વધારવાની સાથે આરોગ્ય લક્ષી જરૂરી સાધનો પણ ઉમેરવામાં આવશે.