ભારત માલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થયાનો સાંસદે કર્યો આક્ષેપ
- સાંસદ ગનીબેન ઠાકોરનો આક્ષેપ, મળતિયાઓએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી લીધી,
- જંત્રી ₹1,000 થી વધુ નથી, છતાં જમીનનું મૂલ્યાંકન ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવાયુ,
- સરકારે પૂરગ્રસ્તોને પુરતી રાહત સામગ્રી પહોંચાડી નથી
પાલનપુરઃ ભારત માલા હાઈવે પ્રોજેક્ટ માટે બનાસકાંઠામાં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. ત્યારે જમીન સંપાદનમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે. બનાસકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં થયેલી ગેરરીતિઓ, વરસાદ બાદ રાહત કામગીરીનો અભાવ અને ભૂસ્તર વિભાગ પરના આક્ષેપો જેવા અનેક મુદ્દાઓ પર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, સુખી અને સગવડ ધરાવતા લોકો અને કોન્ટ્રાક્ટરોએ ટૂંકા સમયમાં જ જમીન ખરીદીને તેને સંપાદન માટે યોગ્ય કરાવી દીધી હતી. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં પાલનપુર કે અન્ય કોઈ સિટી એરિયામાં પ્રતિ ચોરસ મીટરની જંત્રી ₹1,000 થી વધુ નથી, તેમ છતાં આ પ્રોજેક્ટ માટે જમીનનું મૂલ્યાંકન ₹4,000 થી ₹4,500 પ્રતિ ચોરસ મીટર ગણવામાં આવ્યું છે, જે ગંભીર ભ્રષ્ટાચાર સૂચવે છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સુઈગામ સહિતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદથી પારાવાર નુકસાન થયુ છે. લોકોને મુખ્યમંત્રી પાસેથી મદદની આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી છે. તેમણે કહ્યું કે, સાત સભ્યોના પરિવારમાં માત્ર બે સભ્યોને મનરેગાના નિયમો અનુસાર કેસડોલ આપવામાં આવે છે, જે સરકારની મજાક સમાન છે. આ ઉપરાંત, પશુઓ માટે પૂરતો ઘાસચારો પણ પૂરો પાડવામાં આવ્યો નથી. સાંસદે આરોપ લગાવ્યો કે, સરકાર અને વહીવટી તંત્રએ માત્ર મીડિયામાં ફોટા પડાવીને અને તાળીઓ પડાવીને સરહદી પંથકને ભગવાન ભરોસે છોડી દીધો છે.
ભૂસ્તર વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ભૂ-માફિયાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે ચેતવણી આપી કે, જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય, તો તેઓ સ્થળ પર જઈને તપાસ કરશે. આ સાથે, તેમણે કેનાલોના બાંધકામમાં થયેલી આડેધડ કામગીરીને કારણે પાણી ભરાવાની સમસ્યા અને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનેલા રસ્તાઓ પહેલા જ વરસાદમાં તૂટી જવાની ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું હતુ.