અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન
- હાઈવેના 11 બ્રિજ પર પણ ખાડા પડ્યા,
- પોર બ્રિજ પર ગાડીનું અડધું ટાયર ઘૂસી જાય એટલા ખાડા,
- હાઈવે પર ટોલ ટેક્સની અઢળક આવક છતાંયે ખાડાઓ પુરાતા નથી
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં વડોદરાથી ભરૂચ સુધી તો ઉબડ-ખાબડ હાઈવેથી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર છેલ્લા પાંચ દિવસથી સતત ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. હાઈવે પરના ખાડા પૂરવામાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓમાં નિષ્ક્રિતા જોવા મળી રહી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ચોમાસાને કારણે ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી વાહનોની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે ટ્રાફિકજામ થાય છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર આ સમસ્યા વધુ જોવા મળે છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અમરાવતી ખાડી અને આમલાખાડી પરના બ્રિજ સાંકડા છે. આ બ્રિજ પર વાહનોની અવરજવર ધીમી થતાં ટ્રાફિકજામ સર્જાય છે. આ ઉપરાંત જાંબુવાના સાંકડા બ્રિજથી લઇને દુમાડ ચોકડી સુધીના 25 કિમીના હાઇવે પર આવેલા 11 બ્રિજ પર 5 ફૂટથી લઇને 20 ફૂટના લાંબા અને એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા જોવા મળ્યા હતા. જેમાં વાહન ચલાવતા લોકોની કમર પણ તૂટી જાય તેવી સ્થિતિ છે.
અમદાવાદથી મુંબઇ સુધી કારનો 975 રૂપિયા અને ટ્રક અને બસનો 3260 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તેમ છતાં વાહનચાલકોને ખાડામાં વાહન ચલાવવાનો વારો આવે છે.ખાડાના કારણે વાહનો ધીમે ચાલે છે અને ટ્રાફિકજામ થાય છે. અહીં પોલીસકર્મીઓ ઉભા છે, તેઓ વાહનને રોકી રાખે છે અને જેમ જેમ ટ્રાફિકજામ ઓછો થાય તેમ તેમ વાહનો આગળ જવા દે છે. અહીં લોકોએ ટ્રાફિકજામના કારણે ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને ઝડપથી આ ટ્રાફિકજામથી મુક્તિ અપાવવાની માગ કરી છે.
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા પાસે રોજના એક લાખથી વધુ વાહનો પસાર થાય છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને મુંબઇ તરફ જતા લોકો આ નેશનલ હાઇવેનો ઉપયોગ કરે છે. મુંબઇ અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ જતા લોકો પણ નેશનલ હાઇવેનો ઉપયોગ કરે છે. આ લોકો રોજ ટ્રાફિકજામની સમસ્યાની સાથે સાથે મોટા મોટા ખાડાના કારણે હેરાન પરેશાન થાય છે.