વડોદરામાં મહી બ્રિજ પર સમારકામને લીધે ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન
- હાઈવેની એકલાઈન શરૂ રખાતા વારંવાર સર્જાતો ટ્રાફિક જામ,
- વાહનચાલકોને દુમાડ ચોકડીથી NH-8 પર ડાયવર્ટ કરવામાં આવે છે,
- વાહનચાલકોને ફરજિયાત ટોલટેક્લ ભરવાની ફરજ પડે છે
વડોદરાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસા પૂર્વે જ વડોદરા નજીક મહી નદીના બ્રિજ પર રોડનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે રોડનું તકલાદી કામ કરાતા હાલ રોડ પરનો ડામર ઉખડી ગયો છે. અને બ્રિજ પર સમારકામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તેથી મહી પરના બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાં કારણે છેલ્લાં બે દિવાથી સુરત તરફથી અમદાવાદ જતાં વાહનનોને મહી બ્રિજ પર એક લેન ચાલું હોવાથી અવારનવાર ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને દુમાડ ચોકડીથી નેશનલ હાઇવે 8 પર ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેના કારણે લાખો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહી નદીના બ્રિજના સમારકામને લીધે મહી બ્રિજની વન લેન જ ચાલુ રાખવામાં આવી છે. તેના લીધે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહીબ્રિજના સમારકામની કામગીરી અગામી તારીખ 7 સુધી ચાલું રહેશે. આથી વાહનો નેશનલ હાઈવે 8 વાસદ થઈ આણંદ પાસેથી એકસપ્રેસ વે પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. દુમાડ ચોકડી પાસે આ ડાયવર્ઝન આપવામાં આવી રહ્યુ છે. એક્સપ્રેસવે અને નેશનલ હાઇવે પરનો ટોલટેક્સ અલગ-અલગ હોવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાલ એકસપ્રેસ વે કરતાં નેશનલ હાઇવે 8 પર વાહનનોનો ભારે ઘસારો હાલમાં જોવા મળી રહ્યો છે. અહિથી પસાર થયાં વાસદ ટોલ ટેક્ષ આવે છે તે એકસપ્રેસ વે કરતાં વધુ ટોલ છે.
હાઈવે ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ મહી બ્રિજ પરનું સમારકામ અગામી 7 ડિસેમ્બર સુઘી ચાલશે. છેલ્લાં કેટલાંય સમયથી મહી નદી પર બ્રિજ પર ખરાબ રોડ-રસ્તાની કામગીરીના કારણે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ કામગીરીના કારણે એક લાઇન ચાલુ છે, જેના કારણે ભારે ટ્રાફિક થાય છે. ટ્રાફિક હળવો થતા અમે દુમાડથી તે ડાયવર્ઝન હટાવીએ છીએ અને ભારે ટ્રાફિક થતાની સાથે જ ફરી ડાયવર્ટ કરાય છે.