સુરતમાં અલથાણા વિસ્તારમાં 13મા માળેથી માતા-બે વર્ષનો પૂત્ર ભેદી રીતે પટકાતા બન્નેના મોત
- અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સમાં બન્યો બનાવ,
- માતાએ બે વર્ષના દીકરા સાથે આપઘાત કર્યો કે અકસ્માત,
- પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી
સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સમાં રહેતા અને લૂમ્સના કારખાનેદાર સાથે સંકળાયેલા પટેલ પરિવારના માતા અને બે વર્ષીય પુત્રનું બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રના આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકના પિયર અને સાસરા પક્ષ વચ્ચે મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે સિવિલ હોસ્પિટલ બહાર ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મૃતકના સાસરા પક્ષનો દાવો છે કે, બાળક નીચે પડી જતાં તેને બચાવવાના પ્રયાસમાં મહિલા પણ નીચે પટકાઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની. બીજી તરફ, મહિલાના પરિજનોએ પોલીસ પાસે આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેણે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવી દીધી છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષકુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડીંગમાં એક વીંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે. પરિવારમાં 30 વર્ષી પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર ક્રિશિવ હતો. દરમિયાન બુધવારે સાંજે પૂજાબેન પુત્ર ક્રિશિવને લઈને કોમ્પ્લેક્સમાં આવેલી સી-વીંગમાં 13મા માળે બ્લાઉઝ સીવડાવવા માટે આપવા માટે ગયા હતા. જોકે, ત્યારબાદ માતા-પુત્ર બંને ભેદી રીતે બિલ્ડીંગની નીચે પટકાતા હતા. બિલ્ડીંગમાં ગણેશોત્સવનું આયોજન થયું છે. મંડપથી 50 મીટરના અંતરે જ બંને પટકાતા થયેલા અવાજને -પગલે દોડધામ મચી ગઇ હતી. રહીશો એકત્ર થઈ ગયા હતા. માતા- પુત્રને ઇજાગ્રસ્ત જોતા 108ને બોલાવી બંનેને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પણ ડોકટરે બંનેને મૃત જાહેર કરતા પરિવાર અને શ્રીજી ભક્તિ સાથે ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે અચાનક શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. ઘટના કઈ રીતે બની તે જાણવા પોલીસને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બંને અકસ્માતે પટકાયા કે માતાએ પુત્રને સાથે લઈને ઝંપલાવી દીધું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ ઘટના બાદ પરિવારજનોના નિવેદનોએ પરિસ્થિતિને વધુ ગૂંચવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રના આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકના પિયર અને સાસરા પક્ષ વચ્ચે મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે સિવિલ હોસ્પિટલ બહાર ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મૃતકના સાસરા પક્ષનો દાવો છે કે, બાળક નીચે પડી જતાં તેને બચાવવાના પ્રયાસમાં મહિલા પણ નીચે પટકાઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની. બીજી તરફ, મહિલાના પરિજનોએ પોલીસ પાસે આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ તેમાં કોઈ અન્ય રહસ્ય છુપાયેલું હોઈ શકે છે.