અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગ અને ઈ-મેમો ન ભરનારા 1500થી વધુ લાયસન્સ રદ કરાયા
- RTOએ 11 મહિનામાં 1575 લાયસન્સ રદ કર્યા,
- વર્ષ 2023 કરતા 2024માં સૌથી વધુ લાયસન્સ રદ કરાયા,
- વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાના પણ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરાશે
અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે અને બેફામ વાહનો ચલાવવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ લાલ આંખ કરી છે. શહેરના આરટીઓએ ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓ સામે પહેલા કરતાં વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે. RTOએ માત્ર નવેમ્બર 2024 સુધી 1,575 જેટલા લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કર્યા છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.
શહેરમાં હવે આરટીઓ દ્વારા પણ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા પણ ભલામણ આવે તેના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવામાં આવે છે. જાન્યુઆરીથી નવેમ્બર 2024 સુધીમાં, અમદાવાદ આરટીઓએ દરરોજ ચાર કરતાં વધુ લાયસન્સ સસ્પેન્ડ કર્યા અથવા રદ કર્યા છે. 2023 કરતા આ વર્ષે સૌથી વધુ લોકોના લાઈસન્સ સસ્પેન્ડ કે રદ થયા છે. છેલ્લા 11 મહિનામાં 1,575 લાયસન્સની સરખામણીએ, 2023માં 571 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે 2021માં અને 2022 આ સંખ્યા અનુક્રમે 309 અને 319 હતી. કોવિડ મહામારી 2020 દરમિયાન, લાઈસન્સ સસ્પેન્શનનો આંકડો નજીવો હતો. નોંધનીય છે કે, આ વધારો માત્ર GJ-01, અમદાવાદ, અધિકારક્ષેત્રથી સંબંધિત છે. અધિકારીઓએ મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રાફિક કાયદાના કડક અમલીકરણને કારણે હવે લોકો જો ઈ-મેમો પણ નથી ભરતા તો તેમને લોક અદાલતની નોટિસ ફટકારવામાં આવે છે. જો ત્યાં જઈને પણ તેઓ ચલણની રકમ નથી ચૂકવતા તો કડક કાર્યવાહી રૂપે ઘણીવાર લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.
અમદાવાદના RTO અધિકારીના કહેવા મુજબ દ્વીચક્રી અને ફોરવ્હીલના ડ્રાઈવરો વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે, તેમને રૂ. 1,000નો દંડ અને તેમના લાયસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે. જેસીપી એન એન ચૌધરીએ જણાવ્યું હતું કે “અમે ગુનેગારોને ઓળખવા માટે ટ્રાફિક રેકોર્ડ્સ અને ચલણોનું વિશ્લેષણ કર્યું, જેમાંથી કેટલાક અમદાવાદમાં અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા વાહનો વારંવાર ચલાવે છે. અમે સંબંધિત આરટીઓને યાદી મોકલી છે જેથી તેઓ પગલાં લઈ શકે.જીવલેણ અકસ્માતો ઘણીવાર કાયમી લાઇસન્સ રદ કરવા તરફ દોરી જાય છે, જ્યારે ઓછા ઉલ્લંઘનો જો ત્રણ કે તેથી વધુ વખત પુનરાવર્તિત થાય તો કામચલાઉ સસ્પેન્શન ટ્રિગર કરે છે. હેલ્મેટ વિના ટૂ વ્હિલર ચલાવવું અને રોંગ સાઇડ ડ્રાઇવિંગને રોકવા માટે કડક પાલન લાગુ કરવા કાયદાકીય દબાણથી પણ કાર્યવાહીમાં વધારો થયો હતો.