એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવાની મોહમ્મદ શમીના કોચે કરી માંગણી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ ભારત સરકાર પાસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી એશિયા કપ મેચ રદ કરવાની માંગ કરી છે. તેમના મતે, આ મેચ ન રમવી જોઈએ. એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાનારી છે.
બદરુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે, 'રમતગમતમાં રાજકારણ ન આવવું જોઈએ, પરંતુ પાકિસ્તાને જે કર્યું તે જોઈને, હું ઈચ્છું છું કે આ મેચ ન રમાય. દેશથી વધુ મહત્વનું કંઈ નથી. આપણે એવા દેશ સાથે સંબંધો ન રાખવા જોઈએ જે આપણને આટલી તકલીફ આપી રહ્યો છે.'
બદરુદ્દીન સિદ્દીકીએ સરકાર પાસે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાની માંગ કરી અને કહ્યું, 'હું ભારત સરકાર પાસે માંગ કરવા માંગુ છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી બધી મેચ રદ કરવામાં આવે. પાકિસ્તાન સાથે ત્યારે જ મેચ રમવી જોઈએ જ્યારે તેઓ ભારતમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાનું બંધ કરે.'
અત્રે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તાજેતરમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ 2025 (WCL) મેચ રદ કરવામાં આવી હતી. ભારતના કેટલાક પ્રખ્યાત ખેલાડીઓએ આ મેચમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. બદરુદ્દીન સિદ્દીકીએ કહ્યું, 'ભારતીય ખેલાડીઓ પણ એવા દેશ સાથે રમવા માંગતા નથી જે તેમના દેશ વિરુદ્ધ ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ હોય. ખેલાડીઓએ યોગ્ય કામ કર્યું.'
'ઓપરેશન સિંદૂર' પછી, પાકિસ્તાનના કેટલાક પ્રખ્યાત ખેલાડીઓએ નિવેદનો આપ્યા હતા. આ અંગે બદરુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓએ કોઈપણ પ્રકારનું નિવેદન આપવું જોઈતું ન હતું. ખેલાડીઓએ રાજકારણમાં ન આવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે એશિયા કપ-2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. બંને દેશો વચ્ચેના સંઘર્ષ પછી આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચમાં એકબીજાનો સામનો કરશે.