આદુનું પાણી ખાંસી, શરદી, કફ, કબજિયાત અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં આપે છે રાહત
આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આદુ ચા અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા સાથે-સાથે શરીરને ગરમ રાખવાનું પણ કામ કરે છે. આયુર્વેદમાં આદુને ઔષધિ માનવામાં આવ્યું છે, પરંતુ આદુનું પાણી શરીર માટે કેટલું ફાયદાકારક છે, તેનો અંદાજ લગાવી શકાતો નથી. આદુનું પાણી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે, ખાસ કરીને શિયાળામાં. આદુનો સ્વાદ તીખો, કડવો અને ક્યારેક તૂરો પણ હોય છે, તેથી આદુનું સેવન કેટલીક વસ્તુઓ ભેળવીને કરવું જોઈએ. આદુનું પાણી ખાંસી, શરદી, કફ, કબજિયાત અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે, પરંતુ તેના સેવનની રીત જાણવી પણ જરૂરી છે. જુદી-જુદી પરેશાનીમાં આદુના પાણી સાથે જુદી-જુદી વસ્તુઓનું મિશ્રણ બનાવીને લેવામાં આવે છે.
જો પાચન સંબંધિત સમસ્યા હોય તો તેના માટે આદુને પાણીમાં ઉકાળીને સિંધવ મીઠું અને લીંબુના થોડા ટીપાં નાખીને તેનું સેવન કરો. તેને જમ્યાના એક કલાક પહેલાં લેવું જોઈએ. શરદી-ખાંસીમાં આદુ ફાયદાકારક છે. આદુના પાણીના સેવનથી જૂનામાં જૂનો કફ સરળતાથી બહાર નીકળી જાય છે અને ખાંસીમાં પણ રાહત મળે છે. તેના માટે આદુના હૂંફાળા પાણીમાં મધ ભેળવીને લઈ શકાય છે અથવા તો પાણીમાં આદુ, કાળા મરી અને તુલસી ભેળવીને ઉકાળો બનાવી શકાય છે. આ માત્ર શરદી અને ખાંસીમાં જ નહીં, પણ તાવમાં પણ રાહત આપે છે.
ઘણીવાર એવું બને છે કે ઓછું ખાધા પછી પણ વજન ધીમે ધીમે વધતું રહે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના વધતા વજનને લઈને ખૂબ પરેશાન રહે છે. આવા સમયે સવારે ખાલી પેટે આદુને પાણીમાં ઉકાળીને તેમાં લીંબુ ભેળવીને લેવું જોઈએ. આનાથી પેટની ચરબી ઓછી થવા લાગશે. માથાના દુખાવાની સમસ્યા અથવા સારી રીતે ઊંઘ ન આવવાની તકલીફ હોય તો તેના માટે આદુનું પાણી દવા તરીકે કામ કરે છે. આદુ મન અને શરીર બંનેને શાંત કરે છે અને માથાના દુખાવા અને શરીરમાં દુખાવામાં રાહત આપે છે. આદુનું સેવન કરવાથી મગજમાં ઓક્સિજનનો સંચાર થાય છે અને ઊંઘ લાવનારા હોર્મોન મેલાટોનિનનું ઉત્પાદન યોગ્ય રીતે થાય છે.