For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં નશો કરવા માટે રૂપિયા ન આપતા રત્ન કલાકાર સગીરની હત્યા

04:46 PM Apr 15, 2025 IST | revoi editor
સુરતમાં નશો કરવા માટે રૂપિયા ન આપતા રત્ન કલાકાર સગીરની હત્યા
Advertisement
  • રસ્તે જતાં રત્ન કલાકાર પાસે નશો કરવા રૂપિયાની માગણી કરી હતી
  • રત્નકલાકાર પાસે માત્ર 10 રૂપિયા હોવાથી રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો,
  • નસેડીબાજ શખસે રિક્ષાચાલક પર પણ છરીના ઘા ઝંક્યા

 સુરતઃ શહેરના કાપોદ્રામાં રત્ન કલાકાર રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નસેડી યુવાને સગીર રત્ન કલાકાર યુવાનને ઊભો રાખીને નશો કરવા માટે રૂપિયાની માગણી કરી હતી. પણ રત્ન કલાકાર સગીર પાસે ખિસ્સામાં માત્ર 10 રૂપિયા હોવાથી રૂપિયા આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા નસેડી યુવાને છરીના ઘા ઝીંકીને રત્ન કલાકાર સગીરની હત્યા કરી હતી. ત્યારબાદ એક રિક્ષાને રોકાવીને રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું. પરંતુ રિક્ષા ચાલકે ના પાડતા નસેડી યુવાને તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. આ બનાવથી કાપોદ્રા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસે નસેડી યુવાન પ્રભુની ધરપકડ કરી લીધી છે. આ બનાવની વિરોધમાં મહિલાઓ એકત્ર થઈ હતી અને હલ્લાબોલ કરીને આરોપીને ફાસી આપવાની માગણી કરી હતી.

Advertisement

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઘસવાનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ જાહેર રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી. નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માગ્યા હતા. પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઈન્કાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેણે આગળ જઇ રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું. પરંતુ રિક્ષા ચાલકે ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષાચાલક પણ સારવાર હેઠળ છે. આ બનાવમાં આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ, અસામાજિક તત્ત્વો અને નશેડી રાજ વધી ગયું છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. યુપી-બિહારની માફક ધોળેદહાડે લૂંટ, હત્યા અને છેડતીના બનાવો વધી રહ્યા છે. નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં 17 વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક સહિત શહેરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ  સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ વાઘેલા મૂળ અમરેલીના માલસીકાના વતની છે. તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે અને ફ્રૂટની લારી ચલાવી ગુજરાત ચલાવે છે. તેમનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારાખાનામાં કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો.  ત્યારે સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પ્રભુ શેટ્ટી  (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)એ નશો કરવા માટે પૈસા માંગ્યા હતા. પરેશ કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા જ છે એમ કહી રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ ભોંકી દીધું હતું. પરેશને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઇને રિક્ષાચાલક સાથે માથાકૂટ કરી તેને પણ ચપ્પાના ઘા માર્યા હતા. હાલ રિક્ષાચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. 500થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું અને ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસે સ્ટેશનના દરવાજાને લોક મારી દીધું હતું અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ દોડી આવ્યા હતા. અધિકારીઓએ કડક કાર્યવાહીની સાંત્વના આપી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement