For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં જાહેર રોડ પર પાઈપમાં ફટાકડા ફોડતા પાઈપ વાગવાથી સગીરાનું મોત

04:26 PM Oct 24, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં જાહેર રોડ પર પાઈપમાં ફટાકડા ફોડતા પાઈપ વાગવાથી સગીરાનું મોત
Advertisement
  • અમદાવાદના ન્યુ રાણીપના ચેનપુર પાસે બન્યો બનાવ,
  • ત્રણ સગીરો દ્વારા લોખંડની પાઈપમાં ફટાકડા મુકીને ફોડતા હતા,
  • ફટાકડા ફુટતા પાઈપ ઉછળીને રોડ પર જઈ રહેલી યુવતીના કપાળમાં અથડાઈ

અમદાવાદઃ શહેરમાં દિવાળી અને ભાઈબીજના દિને જાહેર રસ્તાઓ પર રાતભર ફટાકડા ફુટતા રહ્યા અને પોલીસ મુક પ્રેક્ષક બનીને બેઠી હતી. ત્યારે શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે પટેલ ડેરી નજીક જાહેર રોડ ઉપર બેદરકારી પૂર્વક ફટાકડા ફોડવાના કારણે 16 વર્ષની સગીરાનું મોત નિપજ્યુ છે.  ત્રણ સગીરો દ્વારા જાહેર રોડ ઉપર લોખંડની પાઇપમાં ફટાકડા મૂકી બે પથ્થરો વચ્ચે પાઇપ ઉભી રાખી ફટાકડા ફોડતા હતા. દરમિયાન પાઇપમાં ફટાકડા મુકીને ફોડતા પાઈપ આડી પડીને સીધી રોડ ઉપર ઉભેલી 16 વર્ષીય સગીરાના કપાળના ભાગે વાગી હતી. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ સમગ્ર બાબતે સગીરાના પિતાએ ત્રણ સગીર વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે આવેલા મેઘા આર્કેડમાં રહેતી 16 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી અને નેશનલ સ્કૂલમાં 11માં ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. ગઈ તા. 21 ઓક્ટોબરના રોજ પડતર દિવસે રાત્રિના સમયે સગીરાના પરિવારજનો ૐ કુંતેશ્વર મહાદેવ મંદિર સામે રોડ ઉપર ઉભા હતા અને ફટાકડા ફોડી રહ્યા હતાં. આ દરમિયાનમાં સગીરા તેની મિત્ર સાથે ચાલતા ચાલતા સોસાયટી નજીક આવેલી પટેલ ડેરી પાર્લર પાસે ગયા હતા. બંને રોડ ઉપર ઉભા હતા દરમિયાનમાં ફટાકડા સાથે લોખંડનો પાઈપ સગીરાના માથામાં વાગ્યો હતો જેથી બૂમાબૂમ થઈ હતી અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. માથામાં કપાળના ભાગેથી લોહી નીકળતું હતું જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

મૃતક સગીર યુવતીના પિતાને કહ્યું હતું કે રાત્રિના પોણા બાર વાગ્યાની આજુબાજુ સોસાયટીમાં રહેતો સગીર અને તેની સાથેના મિત્રો જાહેર રોડ ઉપર લોખંડ જેવી પાઇપમાં ફટાકડા ભરી અને પાઇપ પથ્થરો વચ્ચે ઊભી કરી ફટાકડા ફોડતા હતાં, તેવામાં પાઇપ ફોડવા જતા પથ્થરો વચ્ચેથી આડી પડી ગઈ અને પાઇપ સ્પીડમાં સગીરાના કપાળના ભાગે વાગી હતી. જેથી તેણી નીચે પડી ગઈ હતી અને માથામાંથી લોહી નીકળ્યું હતું. કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને બુમાબૂમ કરી હતી. સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નિપજ્યું હતુ. આ અંગે સગીર યુવતી હેનાના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્રણેય સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન જાહેર રોડ ઉપર બેદરકારી પૂર્વક ફટાકડા ફોડવા અંગેની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, શહેરના નરોડા વિસ્તારમાં પણ દીપક દેસાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે બેદરકારી પૂર્વક બીજાની જિંદગીને જોખમમાં મૂકી જાહેર રોડ ઉપર અડચણ કરી દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જે મામલે પણ દીપક દેસાઈ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. જ્યારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બેદરકારી પૂર્વક જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પાલડી વિસ્તારમાં પણ ફટાકડા ફોડવા બાબતે બોલા ચાલી અને મારામારીની ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement