સાયલાના સુદામડાની સીમમાં ખનીજ વિભાગના દરોડા, એક કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો
- કાળા પથ્થરની ખાણોમાં બેરોકટોક ખનીજ ચોરી થઈ રહી હતી
- ખનીજ વિભાગના અધિકારીઓએ સવારે દરોડો પાડ્યો
- એક એક્સવેટર મશીન તેમજ ડમ્પરનો મુદામાલ કબજે કરાયો
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં બ્લેક ટ્રેપ એટલે કે કાળા પથ્થરની ખાણો આવેલી છે. અને બેરોકટોક બ્લેક ટ્રેપની ખનીજચોરી થઈ રહી છે. બ્લેક ટ્રેપના ભાવ પણ વધુ ઉપજતા હોવાથી ખનીજ માફિયાઓનો કરોડો રૂપિયાનો કારોબાર છે. અને માથાભારે ગણાતા ખનીજ માફિયાઓ કોઈને ય ગાંઠતા નથી. ત્યારે આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. સુદામડા સીમમાં રેડ કરતાં ગેરકાયદે બ્લેક ટ્રેપની ખાણમાં ગેરકાયદે ખનીજ ચોરી થતું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેમાં ખનીજ ચોરી અને મુદ્દામાલ એક કરોડથી વધુ રકમનો અંદાજ જોવા મળી રહ્યો છે.ખનીજ વિભાગના અધિકારી જગદીશભાઈ વાઢેર સહિત કર્મચારીઓએ પથ્થરની ખાણમાં રહેલા એક એક્સેવેટર અને ડમ્પરને ઝડપી લીધા હતા.
જિલ્લાના ખાણ ખનીજ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સુદામડા સીમ વિસ્તારમાં ખનીજ વિભાગ દ્વારા રેડ પાડતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી. ખનિજ તંત્રની ટીમ દ્વારા સવારે 7 કલાકથી આ વિસ્તારમાં રેડ કરાતા સાંજના 5.30 કલાક સુધી એટલે કે અંદાજે સાડાસાત કલાક સુધી તપાસનો ધમધમાટ કરાયો હતો. જીપીએસ દ્વારા ખનિજનુ કેટલુ ખોદકામ અને ચોરી તેમજ માપણી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આવી ઘટનામાં પંચરોજકામમાં સરકારી પંચની જરૂરીયાત પડતા પીજીવીસએલ તંત્રને સાથે રાખવામાં આવ્યુ હતુ. ખનીજ ચોરી અને મુદ્દામાલ એક કરોડથી વધુ રકમનો અંદાજ જોવા મળી રહ્યો છે.ખનીજ વિભાગના અધિકારી જગદીશભાઈ વાઢેર સહિત કર્મચારીઓએ પથ્થરની ખાણમાં રહેલા એક એક્સેવેટર અને ડમ્પરને ઝડપી લીધા હતા. સાયલાના સુદામડા ગામમાં રેડ પડી હતી તે અગાઉ મૂળીમાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજચોરી અંગે રેડ પાડવામાં આવી હતી તે રીતે આ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ છે અને તંત્રને પણ ગાંઠતા નથી..